ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે ઠંડા પવનનું જોર વધ્યું

December 01, 2024

આણંદ : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતો જાય છે, ત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમીનું બેવડી ઋતુનો અહેસાસ થાય છે. બીજી તરફ, રાજ્યમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે ઠંડી-વાતાવરણને લઈને આગાહી કરી છે. જ્યારે રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈ કાલે શનિવારે અમદાવાદમાં રાત્રીનું તાપમાન 15.4 ડિગ્રી પહોંચ્યું હતું. આજે રવિવારે રાજ્યમાં ઠંડા પવનની લહેર વર્તાઈ હતી.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં શુષ્ક હવામાનની સંભાવના છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં આજે રવિવારે વહેલી સવારે ઠંડા પવનની અસર વર્તાઈ હતી. બીજી તરફ, રાત્રી અને વહેલી સવારના સમયે ઠંડુ વાતાવરણ રહે છે. જેમાં 29મી નવેમ્બરની રાત્રે અમદાવાદમાં 16 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગઈ કાલે શનિવારની રાત્રે 15.4 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. આમ રાત્રીના સમયે તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે. હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં ડિસેમ્બરમાં પણ પ્રથમ આઠ દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના નહીંવત્‌ છે.

હવામાન વિભાગ મુજબ, આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે. 20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.