શ્રીલંકાને 317 રને હરાવી ભારતે 3-0થી સિરીઝ કરી કબજે

January 15, 2023

તિરૂવનંતપુરમઃ વિરાટ કોહલી (166*) અને શુભમન ગિલ (116) ની શાનદાર બેટિંગ બાદ મોહમ્મદ સિરાજની ચાર વિકેટની મદદથી ભારતે ત્રણ મેચની વનડે સિરીઝની અંતિમ મેચમાં શ્રીલંકાને 317 રને પરાજય આપી શ્રેણી 3-0થી કબજે કરી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 73 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ 110 બોલમાં 8 સિક્સ અને 13 ચોગ્ગા સાથે અણનમ 166 રન ફટકાર્યા હતા. 


ભારતે આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમનો ધબડકો થયો હતો. અવિષ્કા ફર્નાન્ડો માત્ર 1 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કુસલ મેન્ડિસને 4 રનના સ્કોરે સિરાજે રાહુલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ચરિથ અસલંકા એક રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. નુવાન્ડિનો ફર્નાન્ડો 19 રન બનાવી સિરાજની ઓવરમાં બોલ્ડ થયો હતો. 


શ્રીલંકાનો કેપ્ટન દસુન શનાકા 11 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો હતો. હસરંગા 1 રન બનાવી આઉટ થયો હતો. રજિથા 13 રન બનાવી અણનમ રહ્યો હતો. લાહિરુ કુમારા 9 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 32 રન આપી ચાર સફળતા મેળવી હતી. આ સિવાય મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને બે-બે વિકેટ મળી હતી. 


ટીમ ઈન્ડિયાએ પહેલી બેટિંગ કરતા વિરાટ કોહલીના અણનમ 166 અને શુભમન ગિલના 116 રનની મદદથી 50 ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 13 ચોગ્ગા અને 8 સિક્સની સાથે વનડે કરિયરની 46મી સદી ફટકારી હતી. તો ગિલે 14 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 42 અને શ્રેયસ અય્યરે 38 રન બનાવ્યા હતા.