ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હરાવી જીત્યો અન્ડર-19 વિશ્વકપ

January 29, 2023

દિલ્હીઃ શેફાલી વર્માની આગેવાનીમાં ભારતીય મહિલા અન્ડર-19 ટીમે ઈતિહાસ રચી દીધો છે. સાઉથ આફ્રિકામાં પ્રથમવાર રમાઈ રહેલા મહિલા અન્ડર-19 વિશ્વકપની ટ્રોફી ભારતે જીતી લીધી છે. ભારતે ફાઇનલમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે પરાજય આપ્યો છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું અને માત્ર એક મેચ ગુમાવી હતી. ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ માત્ર 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય મહિલા ટીમે 14મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શરૂઆતમાં બે ઝટકા લાગ્યા હતા. કેપ્ટન શેફાલી વર્મા 11 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 15 રન બનાવી આઉટ થઈ હતી. શ્વેતા સેહરાવત 5 રન બનાવી આઉટ થઈ હતી. ત્યારબાદ ત્રિશા અને સૌમ્યા તિવારી વચ્ચે ત્રીજી વિકેટ માટે 46 રનની ભાગીદારી થઈ હતી. ત્રિશા 29 બોલમાં 24 રન બનાવી આઉટ થઈ હતી.

સૌમ્યા તિવારી 24 રન બનાવી અણનમ રહી હતી. ભારતીય અન્ડર-19 મહિલા ટીમની કેપ્ટન શેફાલી વર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ કેપ્ટનના નિર્ણયને યોગ્ય ઠેરવતા શરૂઆતથી ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. ભારતને પ્રથમ સફળતા તિતાસ સાધુએ અપાવી હતી. તિતાસે લિબર્ટી હીપને શૂન્ય રને આઉટ કરી હતી. ત્યારબાદ અર્ચના દેવીએ નીંવ હોલેન્ડને (10) બોલ્ડ કરી હતી. ગ્રેસ સ્ક્રિવેન્સ (4) રન બનાવી અર્ચનાનો શિકાર બની હતી. ઈંગ્લેન્ડની ટીમે માત્ર 16 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.