વન-ડેમાં ભારતની સૌથી ખરાબ હાર

March 20, 2023

વિશાખાપટ્ટનમ  : ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની બીજી મેચ રવિવારે વિશાખાપટ્ટનમના ડો.વાયએસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાને 118 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ઓસ્ટ્રેલિયન ઓપનર્સે જ 10.5 ઓવરમાં જ અને 11ની રનરેટથી રમીને ચેઝ કરી લીધો હતો. ઓપનર્સ મિચેલ માર્શ અને ડ્રેવિસ હેડે 121 રન બનાવીને ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો. મિચેલ માર્શે 36 બોલમાં 66* રન બનાવ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડે 30 બોલમાં 51* રન બનાવ્યા હતા. હવે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે.

ભારતની વન-ડે ઈતિહાસની સૌથી ખરાબ હાર મળી ભારતને વન-ડેના ઈતિહાસની સૌથી ખરાબ હાર મળી છે. બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમને 10 વિકેટે હરાવ્યું હતું. ટીમ 234 બોલ બાકી રહેતા હારી ગઈ હતી. એટલે કે આ ટીમ ઈન્ડિયા વન-ડે ઈતિહાસની સૌથી મોટી હાર છે. અગાઉનો રેકોર્ડ 212 બોલનો હતો. ન્યૂઝીલેન્ડે 2019માં હેમિલ્ટનમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. ટીમ છઠ્ઠી વખત 10 વિકેટથી હારી છે.

117 રનના સ્કોરને ડિફેન્ડ કરવા ઉતરેલા ભારતીય બોલર્સ બિનઅસરકારક સાબિત થયા હતા. ટીમ ઈન્ડિયાના બોલર્સ 121 રનમાં એક પણ વિકેટ લઈ શક્યા નહોતા. 11 ઓવરની ઓસ્ટ્રેલિયન ઇનિંગમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 5 બોલર બદલ્યા, પરંતુ એકપણ ના મળી. રોહિતને મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવની ઓવર્સ મળી હતી.

અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. કાંગારૂઓએ ભારતને 26 ઓવરમાં જ 117 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. મિચેલ સ્ટાર્કે જ શરૂઆતમાં ભારતના ટૉપ ઓર્ડરનો ખાત્મો બોલાવી દીધો હતો. ટીમ ઈન્ડિયાની અડધી ટીમ 50 રનની અંદર જ પેલેવિયન ભેગી થઈ ગઈ હતી. આ પછી વિરાટ અને જાડેજાએ ટીમની ઇનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે કોહલી આઉટ થતા ફરી ટીમનો ધબડકો થયો હતો અને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. તો સીન અબ્બોટે 3, જ્યારે નાથન એલિસે 2 વિકેટ લીધી હતી. ભારત તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 31 રન બનાવ્યા હતા. તો અક્ષર પટેલે 29* રન કર્યા હતા. રવીન્દ્ર જાડેજાએ 16 રન કર્યા હતા.

ટૉસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી અને ટીમના 3 રનના સ્કોર પર ઓપનર શુભમન ગિલ એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની બોલિંગમાં માર્નસ લાબુશેનના ​​હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ રોહિત શર્મા (13 રન) સ્ટાર્કના જ બોલ પર આઉટ થયો હતો. તે સ્લિપમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયા હતા. કેપ્ટન પછી રમવા આવેલા સૂર્યકુમાર યાદવ (0), કેએલ રાહુલ (9) અને હાર્દિક પંડ્યા (1) આઉટ થયા હતા. આ ત્રણેય ડબલ ડીજીટ પણ ક્રોસ કરી નહોતા શક્યા.