ઈરાને ઈઝરાયલ પર 400થી વધુ મિસાઈલ છોડી, અમેરિકા એલર્ટ

October 02, 2024

ઈરાને ઈઝરાયલ પર સૌથી મોટો હુમલો કર્યો છે. ઈરાન તરફથી ઈઝરાયલ પર મંગળવાર (1 ઓક્ટોબર) રાત્રે 400થી વધુ મિસાઈલો છોડવામાં આવી. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ તરફથી પુષ્ટિ કરાઈ છે કે ઈરાને ઈઝરાયલ તરફ અનેક મિસાઈલો લોન્ચ કરી છે. હાલ ઇઝરાયલમાં ચોતરફ સાયરનોનો અવાજ ગૂંજી રહ્યો છે. આ દરમિયાન ઇઝરાયલે પોતાના નાગરીકોને સુરક્ષા હેતુસર શેલ્ટરમાં ખસેડ્યા છે. ઇરાનના હુમલા વચ્ચે બાઈડેને ઇઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે વાતચીત કરી છે. હાલ અમેરિકા ઈઝરાયલની મદદ માટે તૈયારી કરી રહ્યું છે.


જ્યારે આ પહેલા ઈઝરાયલના શહેર તેલ અવીવમાં આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન ઓછામાં ઓછા 20 ઈઝરાયલના લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે, જેમાંથી આઠ લોકો મૃત્યુ પામ્યા છે. પ્રાથમિક મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે, એમ-16 અને એક-47થી બે લોકોએ સામાન્ય લોકો પર હુમલો કર્યો છે.


IDFના અનુસાર, ઈરાન તરફથી 400થી વધુ મિસાઈલોથી હુમલો કરાયો છે. નાગરિકોને બોમ્બ શેલ્ટર મોકલાયા છે. આખા ઈઝરાયલમાં રોકેટ અલાર્મ વાગી રહ્યા છે. ઈરાનના હુમલા બાદ અમેરિકા રક્ષા મંત્રીએ કહ્યું કે, ઈઝરાયલની સુરક્ષા માટે તૈયાર છીએ. ઈરાનના હુમલાથી લડવામાં સક્ષમ છીએ.