રેસ્ટોરાંમાં 50 રૂપિયાનો જ વકરો થયાના નિવેદન માટે કંગના ટ્રોલ

September 20, 2025

મુંબઇ : કંગના રણૌત ફરી પોતાનાં નિવેદન માટે વિવાદમાં સપડાઈ છે. કુલ્લુ મનાલીમાં પૂરપ્રકોપનાં ત્રણ સપ્તાહ બાદ તે પોતાના મતવિસ્તારમાં ગઈ હતી. ત્યારે પૂરપીડિતોને આશ્વાસન આપવાને બદલે તેણે પોતાનાં જ દુઃખણાં રોવાનું ચાલુ કરી દીધું હતુું.  કંગનાએ  મીડિયા સમક્ષ કહ્યું હતું કે તમે લોકો તમારી જ તકલીફોની વાત કરો છો પરંતુ મારી તકલીફ પણ સમજો. મારી રેસ્ટોરાંમાં હું મહિને ૧૫ લાખનો પગાર આપું છું પરંતુ મારે ૫૦ રુપિયાનો જ વકરો થયો છે. હું પણ સિંગલ વુમન છું. હું જાણે ઈંગ્લેન્ડની રાણી હોઉં તેવી રીતે મને સવાલો કરવાની જરુર નથી.  કંગનાનો આ વિડીયો ભારે ટ્રોલ થયો હતો. અનેક લોકોએ લખ્યું હતું કે કંગના હજુ પણ પોતે જાણે સંસદસભ્ય પદનો એક ફિલ્મી રોલ જ કરી રહી હોય તેમ વર્તી રહી છે અને તેનામાં એક લોકપ્રતિનિધિ તરીકેની બિલકૂલ સંવેદના નથી.  બીજી તરફ કંગના બહુ લાંબા સમય બાદ પૂરગ્રસ્તોની ખબર  પૂછવા આવતાં તેની સામે કાળા વાવટા દેખાડાયા હતા અને કંગના ગો બેકના નારા પણ લાગ્યા હતા.