પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢા બનશે માતા-પિતા, સોશિયલ મીડિયા પર આપી ગૂડ ન્યૂઝ

August 25, 2025

બોલિવૂડની એકટ્રસ પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ પતિ રાઘવ ચઢ્ઢા બંને જલદી માતા-પિતા બનવા જઇ રહ્યા છે. બનેએ પહેલા બાળકનું સ્વાગત કરવાની પૂર્ણ તૈયારી કરી દીધી છે. કપલે ચાહકોને આ સારા સમાચાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આપ્યા હતા. તેમણે ઇન્સ્ટા પર એક કોલાબ પોસ્ટ શેર કરી હતી જેમાં એક કેકની તસવીર શેર હતી, અને કેકની ઉપર '1+1+3' લખ્યું હતું, કેકની નીચે બે પગની નિશાની પણ બનાવાઇ હતી. વીડિયોમાં જોવા મળે છે કે બંનેએ એક પાર્કમાં હાથે હાથ નાખી આટા ફેરા મારી રહ્યા છે. આ વીડિયો જોઈને ચાહકોએ બંનેને અભિનંદન પાઠવવાનું શરૂ કર્યું છે. ત્યારે આ પોસ્ટ જોઈ બોલિવૂડના અન્ય કલાકારો અને રાજકારણથી જોડાયેલા દિગ્ગજોએ પણ વધામણા આપી રહ્યા છે. બંનેએ પોસ્ટ શેર કરતાં કેપ્ટશન લખ્યું હતું, ' હમારા છોટા સા બ્રહ્માંડ.. આગે બઢ રહા હૈ, ઢેર સારા આશીર્વાદ.' પોસ્ટ શેર કરતાં એક્ટ્રેસ હુમા કુરૈશીએ લખ્યું- 'બધાઈ હો'. સોનમ કપૂરે લખ્યું, 'બધાઈ હો ડાર્લિંગ'. ભૂમિ પેડનેકરે પણ વધામણાં આપ્યા. જણાવી દઈએ કે રાઘવ અને પરિણીતિ ચોપડાએ 2023માં ડેટિંગ શરૂ કરી હતી, પણ તેમણે ત્યારે આ સંબંધ વિશે સત્તાવાર રીતે વાત નહોતી કરી. ત્યારે મે 2023માં નવી દિલ્હીના કપૂરથલા હાઉસમાં બંનેએ સગાઈ કરી આ સંબંધને સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી. ત્યારબાદ તેમણે વર્ષ 2023ના સપ્ટેમ્બર મહિનામાં રાજસ્થાનના ઉદયપુરમાં પારંપારિક હિન્દુ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા.  નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી પરિણીતી ચોપડાની પ્રેગ્નન્સીના સમાચારો સામે આવી રહ્યા હતા. ત્યારે 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં રાઘવ ચઢ્ઢાએ આ સમાચારની પુષ્ટિ કરી હતી.રાઘવ ચઢ્ઢાએ શોમાં દર્શકોને કહ્યું હતું કે ટૂંક સમયમાં જ દર્શકોને સારા સમાચાર મળશે, જે સાંભળી પરિણીતી પણ આશ્ચર્યચકિત થઈ ગઇ હતી.