રાહુલ ભારતીય નથી અને તેને ભારત પ્રત્યે પ્રેમ પણ નથી ઃ કેન્દ્રીય મંત્રીના નિવેદનથી હોબાળો

September 15, 2024

દિલ્હી : કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા રવનીત સિંહ બિટ્ટુએ ભાગલપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખો પર કરેલી ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને દેશના નંબર-1 આતંકવાદી ગણાવ્યા છે. આ ઉપરાંત તેમણે દાવો પણ કર્યો હતો કે રાહુલ ગાંધી ભારતીય નથી અને તેમને ભારત પ્રત્યે કોઇ પ્રેમ પણ નથી. જો કે, તેમના આ નિવેદન બાદ ભારે હોબાળો થઇ રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ કહ્યું હતું કે, 'મારો પડકાર છે કે, અહીં કોઇ શીખ હોય જે કોઇ પણ પાર્ટી સાથે જોડાયેલો ના હોય અને તે બોલી દે કે ભાગલપુરમાં કોઇ તેમને કડા કે પાઘડી પહેરવાથી કે ગુરુદ્વારા જવાથી રોકતા હોય, ફક્ત એક શીખ અહીં ઊભો થઇ આ વાત કહી દે તો હું હાલ ભાજપ છોડી દઇશ. નફરત ફેલાવવા તેઓ પહેલા મુસ્લિમોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા હતા પરંતુ તેનાથી લાભ ન થયો તો હવે બોર્ડર પર જે શીખ રહે છે, જે દેશની રક્ષા કરે છે તેમનામાં નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.'


રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે 'રાહુલ ગાંધી વોન્ટેડની જેમ નિવેદન આપી રહ્યા છે. હવે બોમ્બ અને હથિયાર બનાવનારા અલગતાવાદીઓ રાહુલ ગાંધીના નિવેદનનું સમર્થન કરી રહ્યા છે. આ જ લોકો નાગરિકોને મારવાના પ્રયાસો કરે છે, બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપે છે. તેઓ રાહુલ ગાંધીના સમર્થનમાં આવી ગયા છે. રાહુલ ગાંધી દેશના નંબર-1 આતંકવાદી છે અને તેમને પકડવા માટે સૌથી મોટું ઇનામ હોવું જોઇએ.'