ફરી મેદાનમાં ચોગ્ગા-છગ્ગા ફટકારતો જોવા મળશે રૈના

March 05, 2023

દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભાગ લેવાની પુષ્ટિ કરી દીધી છે. એલએલસી 2023ની શરૂઆત 10 માર્ચથી દોહામાં થશે. ભારત માટે 78 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1605 રન બનાવનાર રૈનાએ કહ્યું કે દેશનું પ્રતિનિધિત્વ કરવું હંમેશા સન્માનની વાત હોય છે. 
રૈનાએ એલએલસીની અખબારી યાદીમાં કહ્યું- મારૂ ધ્યાન લેજેન્ડ્સ લીગ ક્રિકેટ માસ્ટર્સમાં ભાગ લેવા પર છે. ફોર્મેટ એવું છે કે બીજીવાર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. તમારા દેશનું પ્રતિનિધિત્વ કરવું હંમેશા સન્માનની વાત હોય છે. અમે આ વખતે ટ્રોફી ઘરે લાવવાનો પ્રયાસ કરીશું. મારૂ ધ્યાન દરેક દિગ્ગજો સાથે રમવા પર છે. 
નોંધનીય છે કે લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ત્રણ ટીમો- ઈન્ડિયા મહારાજા, એશિયા લાયન્સ અને વર્લ્ડ જાયન્ટ્સ ભાગ લેશે. ટૂર્નામેન્ટના મુકાબલા દોહામાં એશિયન ટાઉન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ઈન્ડિયા મહારાજાનો કેપ્ટન ગૌતમ ગંભીર હશે. એશિયા લાયન્સની કમાન શાહિદ આફ્રિદી સંભાળશે જ્યારે વર્લ્ડ જાયન્ટ્સની કમાન આરોન ફિંચના હાથમાં હશે.