રેમન્ડના ચેરમેન ગૌતમ સિંઘાનિયા અને પત્ની નવાઝ 32 વર્ષે છૂટાછેડા લેશે

November 21, 2023

રેમન્ડના ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયાએ લગ્નના 32 વર્ષ પછી પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી અલગ થવા નિર્ણય લીધો છે. હવે અહેવાલ આવી રહ્યા છે કે પત્ની નવાઝ મોદી સિંઘાનિયાએ છૂટાછેડા માટે પતિ ગૌતમ સિંઘાનિયાની નેટવર્થના 75 ટકા જેટલો ભાગ બે પુત્રીઓ નિહારિકા-નિશા અને પોતાને આપવાની શરત મૂકી છે.

ગૌતમ કુલ 1.1 અબજ ડોલર (અંદાજે 11,000 કરોડ)ની સંપત્તિ ધરાવે છે. ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પર 13 નવેમ્બરે પત્નીથી અલગ થઈ રહ્યા હોવાની જાણકારી આપી હતી. એક્સ પર ભાવુક પોસ્ટ મૂકતાં સિંઘાનિયાએ લખ્યું હતું કે,'અમારા માટે આ વર્ષની દિવાળી પહેલા જેવી નથી રહી.

દંપતીના રૂપમાં અમે 32 વર્ષ સાથે રહ્યા. માતા-પિતાના રૂપમાં વિકસીને અમે હંમેશા એકબીજા માટે મજબૂતી સાથે ઊભા રહ્યા. અમારી પ્રતિબદ્ધતા અને ભરોસાની સફરમાં બે સુંદર પડાવ પણ આવ્યા. અમે બન્ને ભલે અલગ થઈ રહ્યા હોઈએ, પરંતુ પહેલાની જેમ જ પુત્રી નિહારિકા અને નિશા સિંઘાનિયાની દેખરેખ કરતા રહીશું.'