જાણીતા કોમેડિયન જસવિંદર ભલ્લાનું નિધન, ફિલ્મોમાં પણ કર્યું હતું કામ, 65 વર્ષે લીધા અંતિમ શ્વાસ

August 22, 2025

પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા અને કોમેડિયન જસવિંદર ભલ્લાનું 65 વર્ષની વયે નિધન થયું છે. તેમની કોમેડી ટાઈમિંગ અને અનોખી સ્ટાઈલ માટે તેઓ ખૂબ જ પ્રખ્યાત હતા અને દુનિયાભરમાં તેમના ચાહકો હતા. તેમના નિધનથી પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. તેમણે પોતાની 27 વર્ષની કારકિર્દીમાં ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું.

જસવિંદર ભલ્લા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચાર બાદ તેમના ઘરે કલાકારો અને ચાહકોની ભીડ જામી છે. ચાહકો ખૂબ જ ભાવુક થઈને પોતાના પ્રિય કલાકારના અંતિમ દર્શન કરવા પહોંચી રહ્યા છે.

જણાવવામાં આવ્યું છે કે જસવિંદર ભલ્લાના અંતિમ સંસ્કાર 23 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે મોહાલીના બલોંગી સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

ફિલ્મી દુનિયામાં 27 વર્ષની સફર

જસવિંદર ભલ્લાની વાત કરીએ તો, પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું નામ ખૂબ જ સન્માનથી લેવામાં આવે છે. તેમનો જન્મ 4 મે, 1960ના રોજ લુધિયાણામાં થયો હતો. તેમના પિતા એક પ્રાઇમરી સ્કૂલના શિક્ષક હતા. વર્ષ 1988માં તેમણે 'છન્નકટા 88'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને 10 વર્ષ પછી, 1998માં 'દુલ્લા ભાટી' ફિલ્મથી તેમણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી. ત્યારબાદ 1999માં તેઓ ફિલ્મ 'માહોલ ઠીક હૈ'માં ઈન્સ્પેક્ટર જસવિંદર ભલ્લાના રોલમાં જોવા મળ્યા.

આ પછી તેમણે 'સરદાર જી', 'જિન્ને મેરા દિલ લુટિયા', 'જટ એન્ડ જુલિયટ', 'પાવર કટ', 'કેરી ઓન જટ્ટા', 'સરદાર જી', 'મુંડે કમાલ દે', 'કિટ્ટી પાર્ટી' અને 'કેરી ઓન જટ્ટા 3' જેવી ફિલ્મો કરી. તેઓ દિલજીત દોસાંઝ જેવા સ્ટાર્સ સાથે પણ ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળ્યા. તેમના નિધનથી બધા ખૂબ દુઃખી છે અને તેમના શાનદાર કામને યાદ કરી રહ્યા છે. 23 ઓગસ્ટે તેમના અંતિમ સંસ્કાર વખતે પણ અભિનેતાને અંતિમ વિદાય આપવા માટે મોટી ભીડ એકઠી થવાની સંભાવના છે.