રેણુકા સિંહની પાંચ વિકેટ પાણીમાં, ઈંગ્લેન્ડે ભારતને રોમાંચક મેચમાં 11 રને હરાવ્યું

February 18, 2023

દિલ્હીઃ મહિલા આઈસીસી વિશ્વકપ-2023 (ICC Women World Cup 2023) માં ત્રીજી ગ્રુપ મેચમાં ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડ સામે 11 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. સતત બે જીત બાદ ભારતીય ટીમને આ હારનો સામનો કરવો પડ્યો છે. તો ભારતને હરાવી ઈંગ્લેન્ડે પોતાની જગ્યા સેમીફાઇનલમાં પાક્કી કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની મહિલા ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 151 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 140 રન બનાવી શકી હતી. ભારતીય ટીમ હવે પોતાની અંતિમ લીગ મેચમાં આયર્લેન્ડ સામે 20 ફેબ્રુઆરીએ ટકરાશે. 


ઈંગ્લેન્ડે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને 29 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. શેફાલી વર્મા 8 રન બનાવી લુરેન બેલનો શિકાર બની હતી. જેમિમા રોડ્રિગ્સ 13 રન બનાવી સારા ગ્લેનની ઓવરમાં આઉટ થઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર 4 રન બનાવી એકલસ્ટોનનો શિકાર બની હતી. ભારતે 62 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી હતી. 

ભારત તરફથી ઓપનર સ્મૃતિ મંધાનાએ 41 બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સ સાથે 52 રન ફટકાર્યા હતા. આ સિવાય વિકેટકીપર ઘોષ 34 બોલમાં બે સિક્સ અને ચાર ફોર સાથે 47 રન બનાવી અણનમ રહી હતી. દીપ્તિ શર્મા 7 રન બનાવી રનઆઉટ થઈ હતી. પુજા વસ્ત્રાકર 2 રન બનાવી નોટાઉટ રહી હતી. 

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની મહિલા ટીમે 20 ઓવરમાં 151 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને 29 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરે સોફિયા ડંકલી (10), ડેનિયલ વાયટ (0) અને એલિસ કેપ્સી (3) ને આઉટ કરી પેવેલિયન પરત મોકલી આપી હતી. ઈંગ્લેન્ડ માટે નેટ સિવરે 42 બોલમાં 50 રન ફટકર્યા હતા. આ સિવાય વિકેટકીપર એમી જોન્સે 27 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 40 રન બનાવ્યા હતા. 

ભારત તરફથી રેણુકા સિંહે 4 ઓવરમાં 15 રન આપી પાંચ વિકેટ લીધી હતી. આ સિવાય દીપ્તિ શર્મા અને શિખા પાંડેને એક-એક સફળતા મળી હતી.