IPO માટે ધસારોઃ 5 કંપનીઓને 3.67 લાખ કરોડની બિડ

November 25, 2023

શેરબજાર રોકાણકારોએ પ્રાઇમરી માર્કેટમાં શેર્સ ખરીદવા માટે રીતસર દોટ મૂકી છે. ચાલુ સપ્તાહે શેરબજારમાંથી મૂડી ઊભી કરવા પ્રવેશેલી કંપનીઓને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો છે. તમામ પાંચેય આઈપીઓ મહત્તમ 69 ગણા સુધી ભરાયેલાં જોવા મળે છે. તેમાં કુલ રૂ. 7,300 કરોડના ઉઘરાણા સામે રોકાણકારોએ રૂ. 3.67 લાખ કરોડના રોકાણ માટે તૈયારી દર્શાવી છે.

જે રિટેલ, એચએનઆઈ અને ક્વોલિફઈડ ઇન્વેસ્ટર્સમાં શેરબજારમાં રોકાણ માટેની ઉત્સુક્તા સૂચવે છે. ડોલર સંદર્ભમાં જોઈએ તો પાંચ કંપનીઓને 90 કરોડ ડોલરની તેમની માગણી સામે 32 અબજ ડોલરનું જંગી ભંડોળ રોકાણકારો તરફથી પ્રાપ્ય બન્યું છે.

ચાલુ સપ્તાહે માર્કેટમાં પાંચ આઈપીઓ પ્રવેશ્યા હતા. જેમાં તાતા જૂથ કંપની તાતા ટેક્નોલોજિસનો આઈપીઓ સૌથી મોટો હતો. તાતા મોટર્સની સબ્સિડિયરી કંપની માર્કેટમાં રૂ. 3,042 કરોડ ઊભા કરવા માટે પ્રવેશી હતી.

જોકે, રોકાણકારોમાં કંપનીના શેર્સની ખરીદી ઊંચી ફેન્સી જોવા મળી હતી અને તેથી જ તેમના તરફથી રૂ. 2.13 લાખ કરોડની રકમ આપવાની તૈયારી જોવા મળી હતી. શુક્રવારે સાંજે આ લખાય છે ત્યાં સુધીમાં તાતા ટેક્નોલોજિસનો આઈપીઓ 69.43 ગણો છલકાઈ ગયો હોવાનું સત્તાવાર આંકડા સૂચવે છે.