વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બળવો, ભાજપના મેન્ટેડવાળા પ્રમુખ-ઉપપ્રમુખને 19માંથી માત્ર 6 મત

October 04, 2024

વડોદરા : વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની ખેડૂતોની સહકારી સંસ્થા જિલ્લા સહકારી સંઘમાં તમામ 19 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં આજે બળવો થયો છે. વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાની વિવિધ કાર્યકારી તેમજ દૂધ મંડળીઓ સહિતની સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા વડોદરા જિલ્લા સહકારી સંઘની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન તમામ 19 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા.

આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હોવાથી ભારતીય જનતા પાર્ટીએ ડિરેક્ટરોને સાંભળ્યા હતા. મોટાભાગના ડિરેક્ટરો વર્તમાન પ્રમુખ પ્રવીણ મણીભાઈ પટેલની તરફેણમાં હતા. પરંતુ ભાજપની આંતરિક જૂથબંધીને કારણે પ્રદેશ મોવડી મંડળે છોટાઉદેપુરના મુકેશભાઈ પટેલને પ્રમુખ તરીકે તેમજ સાધીના ચંદ્રકાંતભાઈ પટેલને ઉપ-પ્રમુખ તરીકે મેન્ડેટ આપ્યું હતો.  પરંતુ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી શરૂ થાય તે પહેલા પ્રમુખ પદે પ્રવીણભાઈ પટેલે તેમજ ઉપપ્રમુખ તરીકે કૌશિકભાઈ પટેલે બળવો કરી ઉમેદવારી કરી હતી. કુલ 19 ડિરેક્ટરોમાંથી 13 ડિરેક્ટર હોય ભાજપના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરતા પ્રવીણભાઈ પ્રમુખ તરીકે તેમજ કૌશિકભાઈ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે રાજ્ય સહકારી સંઘના ડિરેક્ટર તરીકે બરોડા સેન્ટ્રલ બેન્કના પૂર્વ ચેરમેન અતુલ પટેલ, મંત્રી તરીકેનીઓ પટેલ તેમજ સહમંત્રી તરીકે રિતેશ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા.