મહિલાઓ રાત્રે કામ કેમ ન કરી શકે? સુપ્રિમનો સરકારને સવાલ

September 17, 2024

કોલકાતા : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યા કેસની મંગળવારે (17 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જેમાં સુપ્રીમ કોર્ટે મહિલા ડોકટરોની નાઈટ ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણય પર બંગાળ સરકારીની ઝાટકણી કાઢી હતી.  CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે, "તમે કેવી રીતે કહી શકો કે મહિલાઓ રાત્રે કામ ન કરી શકે? તેઓ કોઈ છૂટ ઈચ્છતા નથી. સરકારનું કામ તેમને સુરક્ષા આપવાનું છે. પાઈલટ, આર્મી જેવા તમામ વ્યવસાયોમાં મહિલાઓ રાત્રે કામ કરે છે."


કોર્ટની ઝાટકણી પર બંગાળ સરકારના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, "સરકાર મહિલા ડૉક્ટરોની ડ્યૂટીને 12 કલાક સુધી મર્યાદિત કરવા અને નાઈટ ડ્યૂટી પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને પાછો ખેંચી લેશે."
આ ઉપરાંત કોર્ટે વિકિપીડિયાને મૃતક તાલીમાર્થી ડોક્ટરનું નામ અને ફોટો હટાવવાનો આદેશ આપ્યો કર્યો છે. કોર્ટે કહ્યું કે "બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ." અને આ અંગે સુપ્રીમ કોર્ટ આગામી સુનાવણી 24 સપ્ટેમ્બરે હાથ ધરશે.