શેરબજાર ખુલતાં જ ધડામ, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, 'બજેટ વીક'ની ખરાબ શરૂઆત

January 27, 2025

શેરબજારમાં મોટાપાયે વેચવાલીના પગલે સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. નિફ્ટી પણ 23000નું લેવલ તોડી 257.35 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો, અમેરિકાની નીતિ અંગે અનિશ્ચિતતાઓ, એફઆઈઆઈની વેચવાલી ઉપરાંત પ્રોફિટ બુકિંગના બજેટ પહેલાં સાવચેતી સહિતના કારણોસર સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે ખૂલ્યા બાદ 10.39 વાગ્યે 842.46 પોઈન્ટ તૂટી 75348.06ના તળિયે પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ 22826ની લો સપાટીએ પહોંચ્યો હતો.

આ દરમિયાન ઝોમેટો, અદાણી પોર્ટ્સ અને ટાટા મોટર્સના શેરમાં મોટો કડાકો દેખાયો. જ્યારે વારી એનર્જીના શેર્સમાં પણ મોટો કડાકો નોંધાયો હતો. રોકાણકારોને આ કડાકાની ખરાબ અસર થઇ અને તેમની મૂડીમાં લાખો કરોડોનો એકઝાટકે ઘટાડો નોંધાયો હતો. સેક્ટોરલ ઈન્ડેક્સમાં  ટેલિકોમ 3.49 ટકા, ટેક્નોલોજી 2.12 ટકા, રિયાલ્ટી 1.11 ટકા, પાવર 2.47 ટકા તૂટ્યો છે. રોકાણકારોએ બજાર ખૂલતાં જ 8 લાખ કરોડ રૂપિયાથી વધુ ગુમાવ્યા હતાં.

સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં રોકાણકારો આજે ધોવાયા છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 4 ટકા અર્થાત 2047 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ડેક્સમાં સામેલ 924 શેર કડડભૂસ થયા હતા. માત્ર 13 શેરમાં જ સુધારો જોવા મળ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ પણ 1085.25 પોઈન્ટ તૂટ્યો હતો.