'યા અલી'ના સિંગર ઝુબીન ગર્ગનું સ્કૂબા ડાઈવિંગ વખતે મોત

September 20, 2025

મુંબઇ : કંગના રણૌત અને શાઈની આહુજાની હિટ ફિલ્મ 'ગેંગસ્ટર'માં 'યા અલી' સોંગથી લાઈમલાઈટમાં આવેલા મૂળ આસામના સિંગર ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં સ્કુબા ડાઈવિંગ વખતે અચાનક નિધન થઈ જતાં તેના ચાહકોમાં ભારે શોક ફેલાયો છે. અનેક બોલીવૂડ મ્યુઝિક સેલિબ્રિટીઓએ ઝુબીનનાં આકસ્મિક નિધન માટે શોકની લાગણી વ્યક્ત કરી હતી.  પ્રિતમ, વિશાલ મિશ્રા, પેપોન , આદિલ હુસૈન સહિતના ગાયકો તથા સંગીતકારોએ ઝુબીનનાં અવસાનથી ભારે આઘાત લાગ્યો હોવાનું જણાવી અંજલિ અર્પણ કરી હતી. ઝુબીન   નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલ માટે સિંગોપાર ગયો હતો. ત્યાં  સ્કુબા ડાઇવિંગ વખતે અચાનક જ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેની સાથેના લોકોએ તેને સીપીઆર આપી બચાવવા પ્રયાસ કર્યો હતો. બાદમાં તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ તે  તબીબોએ તે મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કર્યું હતું.  બાવન વર્ષીય ઝુબીન એક બહુમુખી પ્રતિભાશાળી કલાકાર હતો. તેણે 'ક્રિશ થ્રી' સહિતની હિંદી ફિલ્મોમાં ગીતો ગાયાં હતાં. અનેક આસામી ફિલ્મોમાં તેણે એક્ટિંગ પણ કરી હતી અને મ્યુઝિક ડાયરેક્શન પણ આપ્યું હતું. તે મલ્ટીઈન્સ્ટ્રુમેન્ટાલિસ્ટ હતો એટલે કે તે અનેક મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ પ્લે કરી શકતો હતો.