અમેરિકા-કેનેડાની મુશ્કેલીઓ જુદી છે’ ખાલિસ્તાન સમર્થકોની હત્યાના આરોપો મુદ્દે જયશંકરની સ્પષ્ટ વાત

December 18, 2023

કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાકાંડ તેમજ અમેરિકામાં ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્ર મામલે ભારત પર કેનેડા અને અમેરિકા દ્વારા ભારતનો હાથ હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે, ત્યારે હવે આ મામલે ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. અમેરિકા અને કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની હત્યાના પ્રયાસો મામલે ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, આ બંને મામલા એક જેવા નથી. અમેરિકનોએ અમને કેટલીક બાબતોથી માહિતગાર કર્યા છે.
જયશંકરે નિજ્જર અને પન્નુ બાબતે કરાયેલા આક્ષેપો વચ્ચે અંતર હોવાનું જણાવી કહ્યું કે, ભારત અન્ય દેશો દ્વારા ઉઠાવાયેલ ચોક્કસ મુદ્દાઓ પર ધ્યાન આપવા હંમેશા તૈયાર છે. તેમણે કહ્યું કે, ‘માત્ર કેનેડા જ નહીં, પરંતુ કોઈપણ દેશને સમસ્યા હોય અને તે સમસ્યાઓ મામલે અમને ઈનપુટ અથવા કેટલાક આધાર આપશે, તો અમે તેના પર ચોક્કરથી વિચાર કરવા તૈયાર છીએ. તમામ દેશો આવું કરતા હોય છે.’ વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, કેટલાક મુદ્દાઓ ઉઠાવાયા, પરંતુ બંને મુદ્દાઓ એક જેવા હોય તે જરૂરી નથી. જ્યારે તેમણે હત્યાના પ્રયાસનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે અમેરિકનોએ અમને કેટલીક બાબતોથી માહિતગાર કર્યા. 
એસ.જયશંકરે બેંગલુરમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે, અમેરિકાએ ભારતને ખાલિસ્તાન ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના નિષ્ફળ કાવતરાની તપાસમાં સહયોગ આપવા કહ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે (DOJ) નિખિલ ગુપ્તા નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અમેરિકાએ ભારત સરકારના એક કર્મચારી પર ઉગ્રવાદીઓને મારવા પેડ કિલરનો સહારો લીધો હોવાનો પણ આક્ષેપ કર્યો છે, જેના જવાબમાં વિદેશ મંત્રાલયે કથિત ષડયંત્રમાં પોતાના સરકારી અધિકારી હોવા પર ચિંતા વ્યક્ત કરી છે.