બ્રાઝિલમાં બાઉન્ડ્રી તોડી વિમાન અગનગોળો બન્યું, 1નું મોત, 7 ઈજાગ્રસ્ત

January 10, 2025

બ્રાઝિલ- બ્રાઝિલમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. સાઓ પાઉલોના શહેર ઉબાતુબામાં એક નાનું વિમાન ભીના રન-વેને કારણે બાઉન્ડ્રી તોડીને રોડ પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એકનું મોત અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિમાન દુર્ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.


અહેવાલો અનુસાર, વિમાન દુર્ઘટનામાં પાયલોટનું મૃત્યુ નિપજ્યું હતું અને વિમાનમાં સવાર ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉફરાંત આ અકસ્માતમાં ક્રુઝેરો બીચ રિસોર્ટમાં અન્ય ત્રણ લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઉબાતુબા એરપોર્ટની કન્સેશન કંપની રેડે વોઆના જણાવ્યા અનુસાર, 'હવામાનની સ્થિતિ સારી નહોતી. આ અકસ્માત વરસાદ અને ભીના રન-વેના કારણે સર્જાયો હતો.' જો કે, બ્રાઝિલની વાયુસેનાએ અકસ્માતનું કારણ જાણવા માટે ટેકનિશિયન અને નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે મોકલી છે.

અગાઉ 24મી ડિસેમ્બર 2024ના રોજ બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યના રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થતાં એક સગીર સહિત પાંચ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા.  આ વિમાન સિંગલ-એન્જિન RV-10 હતું જેમાં પાઇલટ અને ત્રણ મુસાફરો માટે બેઠક વ્યવસ્થા હતી. સપ્ટેમ્બર (2024)ની શરૂઆતમાં એમેઝોનાસ રાજ્યના બાર્સેલોસ શહેર નજીક એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં 14 લોકો માર્યા ગયા હતા.