કેનેડાએ ૨૦૨૨માં વિક્રમજનક ૪૮ લાખ લોકોને વિઝા આપ્યા

December 22, 2022

ટોરોન્ટો,: કેનેડાએ ૨૦૨૨માં ૪૮ લાખ વીઝા આપ્યા છે જે અત્યાર સુધીમાં એક વર્ષના
સૌથી વધુ છે. ગયા વર્ષે ૨૫ લાખ વીઝા જારી કરવામાં આવ્યા છે. આમ ગયા વર્ષની
સરખામણીમાં ચાલુ વર્ષે બમણા વીઝા આપવામાં આવ્યા છે.

કેનેડા હવે માસિક આધારે વધારે વિઝા અરજીઓનો નિકાલ કરી રહ્યો છે અને ફક્ત  
ચાર મહિનામાં પોતાના મહામારી સંબધી બેકલોગમાં  લગભગ પાંચ લાખ અરજીઓનો
ઘટાડો કર્યો છે.

ફક્ત નવેમ્બરમાં ૨,૬૦,૦૦૦ વિઝિટર વિઝા જારી કરવામાં આવ્યા હતાં. ૨૦૨૨માં
નવેમ્બર સુધીમાં સાત લાખ લોકોને વર્ક વિઝા અને ૬,૭૦,૦૦૦ લોકોને સ્ટડી વિઝા
આપવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે કેનેડાએ ૨૦૨૧માં વિક્રમજનક ૪,૦૫,૦૦૦ લોકોને પરમેનન્ટ
રેસિડન્સી આપી હતી. કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશીપ કેનેડા
(આઇઆરસીસી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે હવે નવા સ્ટડી વિઝા ૬૦ દિવસની
અંદર જારી કરી દેવામાં આવે છે.

આઇઆરસીસી પ્રધાન સીન ફ્રેઝરે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમારી સરકારે આ
વર્ષે મહામારી સંબધિત વિલંબિત કેસોમાં લગભગ પાંચ લાખનો ઘટાડો કર્યો છે. અમે
એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે અમે એ લોકોનું સ્વાગત કરવાનું ચાલુ રાખ્યું છે જે
કેનેડામાં યાત્રા, અભ્યાસ અને નોકરી કરવા માટે આવવા માગે છે.