ભારતના આ સ્ટેડિયમ સામે સંકટ, 1 વર્ષનો પ્રતિબંધ લાગવાની શક્યતા, બે વિદેશી ટીમોની મેચ ટલ્લે ચઢી

September 11, 2024

9 સપ્ટેમ્બરથી ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ શરૂ થવાની હતી, પરંતુ બે દિવસ વીતી ગયા પછી પણ મેચ હજુ શરૂ થઇ શકી નથી. હજુ મેચનો ટોસ પણ થયો નથી. કારણ કે પહેલા દિવસે જ ભીની જમીનને કારણે ટોસમાં સતત વિલંબ થયો હતો અને અંતે આખો દિવસ વેડફાઈ ગયો હતો. બીજા દિવસે રમત શરૂ થવાની આશા હતી, પરંતુ મેદાન ભીનું હોવાના કારણે સતત બીજા દિવસે પણ રમત ચાલુ થઇ શકી ન હતી. હવે ત્રીજા દિવસે પણ સાંજે ભારે વરસાદ થવાના કારણે મેદાન વધારે ભીનું થઈ ગયું હતું. જેથી કરીને ત્રીજા દિવસે મેચ યોજાય તેવી શક્યતા ઓછી છે. આ સ્થિતિમાં હવે બધાની નજર મેચ રેફરી જવાગલ શ્રીનાથ પર છે. તે મેદાનના ભીના આઉટફિલ્ડનું મૂલ્યાંકન કરશે અને પછી રિપોર્ટ આપશે. હકીકતમાં ગ્રેટર નોઈડાનું આ ક્રિકેટ સ્ટેડિયમ અવ્યવસ્થાઅને સુવિધાના અભાવના કારણે પહેલા દિવસથી જ ચર્ચામાં છે. આ સ્ટેડિયમમાં મેદાનને વરસાદથી બચાવવા માટે પૂરતા કવર પણ નથી. ભીનું થવાના કારણે મેદાન પર હરાયેલા વ્ધ્રાના પાણીના નિકાલ માટે સુપર સોપરની વ્યવસ્થા પણ નથી. આ જ કારણ છે કે ટેસ્ટ મેચના પહેલા બે દિવસોમાં મેદાન રમત માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ શક્યું નથી. બાકીની કામગીરી બિનઅનુભવી ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. ગ્રેટર નોઈડાનું આ ક્રિકેટ સ્ટેડિયમમાં માત્ર આંતરરાષ્ટ્રીય મેચો જ નહીં, પરંતુ ડોમેસ્ટિક મેચોનું પણ આયોજન કરવામાં આવતું નથી. 2019 બાદ BCCIએ અહીં કોઈપણ ઘરેલું મેચનું આયોજન કર્યું નથી. સ્ટેડિયમની ખરાબ હાલત ને જોતા ભવિષ્યમાં કોઈપણ મેચ યોજવાની શક્યતાઓ ઓછી છે. ICCની 'પિચ અને આઉટફિલ્ડ મોનિટરિંગ પ્રોસિજર' અનુસાર, દરેક મેચ થઇ ગયા પછી મેચ રેફરી પિચ અને આઉટફિલ્ડ રિપોર્ટના ફોર્મને ICCના સિનિયર ક્રિકેટ ઑપરેટરના મેનેજરને મોકલવું જરૂરી છે. આ રિપોર્ટ મળ્યાના 14 દિવસની અંદર મેનેજર તે રીપોર્ટને યજમાન બોર્ડને મોકલે છે. અને તેમને સ્ટેડિયમ પર લાદવામાં આવેલા નકારાત્મક પોઈન્ટ્સની જાણ કરે છે. જો ગ્રેટર નોઈડા સ્ટેડિયમને 6 કે તેથી વધુ નકારાત્મક પોઈન્ટ્સ મળે છે, તો તેને 1 વર્ષ માટે આંતરરાષ્ટ્રીય મેચો યોજવાથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.