16 ડિસેમ્બરથી ધનારક કમૂરતાં શરૂ:કમૂરતાં એટલે શું? 14 જાન્યુઆરી સુધી કેવાં કાર્યો વર્જિત રહેશે? જાણો કમૂરતાંમાં શું કરવું અને શું નહીં

December 12, 2022

16 ડિસેમ્બરથી કમૂરતાં શરૂ થઇ જશે. હવે 1 મહિના સુધી એટલે કે 14 જાન્યુઆરી 2023 સુધી માંગલિક કાર્યો થઇ શકશે નહીં. જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે ત્યારે ધનુર્માસ, ખરમાસ એટલે કે કમૂરતાં શરૂ થાય છે. આ મહિનામાં કોઈપણ પ્રકારના માંગલિક કાર્ય, લગ્ન વગેરે જેવાં કાર્યો અથવા સંસ્કાર કરવામાં આવતાં નથી.

ગ્રહ મંડળમાં સૂર્યદેવ જગતનો આત્મા છે. સૂર્યના પ્રકાશ વડે જ જગતને આધાર મળી રહે છે. સૂર્યનાં ખૂબ મહત્ત્વને કારણે આપણે તેને દેવ ભગવાન તરીકે પૂજીએ છીએ. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય સંક્રાંતિ પ્રવેશ કુંડળી અને સૂર્ય સાથે યુતિ કરતાં ગ્રહોના શુભ અશુભ યોગોનો અભ્યાસ કરી તે દ્વારા ભવિષ્યમાં આવનાર સંકેતની વિચારણા કરી શકાય. તા. 16.12.22 સૂર્ય (અગ્નિ તત્ત્વની) ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. જે ગુરુની રાશિ છે. અને તા. 13.01.23 સુધી આ રાશિમાં રહેશે. 14/01/2023થી કમુરતાં ઊતરી જાય છે.

વર્ષમાં સૂર્યની 12 સંક્રાંતિઓ હોય છે. આ બાર રાશિ પર સૂર્યની સ્થિતિ રહે છે. દરેક એક મહિના સુધી એક રાશિમાં રહ્યા પછી સૂર્ય બીજી રાશિમાં પ્રવેશ કરે છે. તેમાં બે સંક્રાંતિઓમાં સૂર્ય ગુરુની રાશિમાં રહે છે. ધન અને મીન ગુરુની રાશિઓ છે. જ્યારે સૂર્યની સ્થિતિ ગુરુની રાશિમાં હોય છે ત્યારે ગુરુનું તેજ પૂર્ણ થઇ જાય છે. માંગલિક કાર્યો માટે ત્રણ ગ્રહોના બળની જરૂરિયાત હોય છે. જેમાં સૂર્ય, ચંદ્ર અને ગુરુનો સમાવેશ થાય છે. તેમાં કોઇપણ ગ્રહના બળમાં ન્યનતા હોવાથી માંગલિક કાર્ય અટકી જાય છે. આ મહિનામાં ગુરુના બળહીન હોવાથી બધાં જ શુભ કાર્ય વર્જિત રહે છે.

ગૃહ પ્રવેશ, લગ્ન જેવાં બધા જ કાર્યો તથા મુંડન, જનોઈ સંસ્કાર, દીક્ષાગ્રહણ, કર્ણવેધ સંસ્કાર (કાન વીંધવા), પહેલીવાર તીર્થયાત્રાએ જવું, દેવ સ્થાપન, દેવાલય શરૂ કરવું, મૂર્તિ સ્થાપના, કોઇ વિશિષ્ટ યંત્રની શરૂઆત વગેરે જેવાં કાર્યો ધનારક કમુરતાંમાં કરવામાં આવતાં નથી.

ધનુર્માસમાં સૂર્યની ગતિ મંદ થવા લાગે છે. એટલે આ મહિનામાં સૂર્યદેવ અને શ્રીકૃષ્ણની ઉપાસનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. ધનુર્માસમાં પવિત્ર નદીઓમાં સ્નાનથી અનેક રોગ દૂર થાય છે. આ મહિનામાં આવતી એકાદશી વ્રત કરવાથી દરેક પ્રકારની બાધાઓ દૂર થઇ જાય છે. તેનાથી વિશેષ નોમ તિથિએ કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવાથી બધાં જ વિઘ્નો દૂર થાય છે.