કેનેડાના ટોરન્ટો નજીક અંધાધૂંધ ફાયરિંગ:શંકાસ્પદ શૂટર સહિત 5નાં મોત, એક ગંભીર રીતે ઘાયલ; જ્યાં ફાયરિંગ થયું એ બિલ્ડિંગ ખાલી કરાવાયું

December 19, 2022

ટોરન્ટો  :કેનેડાના ટોરન્ટોની નજીકના વોન નામના વિસ્તારમાં એક બિલ્ડિંગમાં એક વ્યક્તિએ ધડાધડ ફાયરિંગ કર્યું હતું, જેમાં 5 લોકોનાં મોત થઈ ગયાં હતાં. પોલીસે આમાં તરત જ કાર્યવાહી કરી હતી, એમાં શંકાસ્પદ શૂટરનું પણ મોત થયું હતું. રીજનલ પોલીસ ચીફ જેમ્સ મેકસ્વીને જણાવ્યું હતું કે આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થઈ છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેની હાલત સ્થિર છે. અત્યારે વોન વિસ્તારમાં બધા જ નાગરિકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

જાણકારી પ્રમાણે, શૂટિંગ સામસામે ફાયરિંગ થવાને કારણે એ બિલ્ડિંગને ખાલી કરી દેવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે સ્થિતિને કાબૂમાં લાવી દીધી છે અને હવે ટોરન્ટોની નજીકના વોન નામના વિસ્તારના લોકોને ખતરો નથી.

મેકસ્વીને જણાવ્યું હતું કે શૂટિંગ પછીનું દૃશ્ય ભયાનક હતું. હાલમાં એવી કોઈ માહિતી નથી કે જેણે ગોળીબાર કર્યો તે એક જ બિલ્ડિંગ કે વિસ્તારનો હતો કે નહિ. ઘટનાની તપાસ ઑન્ટેરિયોના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ કરી રહ્યું છે. તેના અધિકારીઓ એવા કેસની તપાસ કરે છે, જેમાં વધુ લોકો ઘાયલ અથવા માર્યા ગયા હોય તેમજ જે કેસમાં પોલીસની સંડોવણી હોઈ છે.

આખા કેનેડામાં માસ શૂટિંગ ખૂબ જ દુર્લભ છે. ટોરન્ટો વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાંનો એક છે. દેશમાં રહેતા લોકો આવા કિસ્સાઓથી ડરતા હોય છે, કારણ કે તેમને લાગે છે કે તેઓ અમેરિકામાં બંદૂકની હિંસાની રીતે નજીક આવી રહ્યા છે.

પોલીસે હજુ સુધી શંકાસ્પદ મૃતક વ્યક્તિની ઓળખ અથવા તો કોઈ જ પ્રકારની માહિતા આપી નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ ખરાબ છે. તેણે પોતાની ડ્યૂટીમાં આ પ્રકારની ઘટના અગાઉ ક્યારેય જોઈ નથી.

શૂટિંગ પછી વોન સિટીના મેયર સ્ટીવન ડેલ ડુકાનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું હતું, 'હું ઘટનાસ્થળે પહોંચેલા 'બહાદુર' પોલીસ અધિકારીઓના કામની પ્રશંસા કરું છું, જેઓ પરિસ્થિતિને સુરક્ષિત રાખવા માટે કામ કરી રહ્યા છે. હું ફાયરિંગમાં માર્યા ગયેલા પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.'