કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુના સાથીદાર ઈન્દ્રજીતના ઘર પર ફાયરિંગ

February 14, 2024

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના સાથીદારના ઘર ફાયરિંગની ઘટના બની છે. ધ ગાર્જિયનના રિપોર્ટ અનુસાર પન્નુના સાથીદાર ઈન્દ્રજીત સિંહ ગોસલના ઘરની બારી પર ગોળીના નિશાન મળી આવ્યા છે. જોકે ઘટનામાં કેટલા ઈજાગ્રસ્ત થયા, કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું, તે અંગે કોઈપણ માહિતી સામે આવી નથી.
ઈન્દ્રજીત સિંહે ટોરન્ટો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ બહાર 17 ફેબ્રુઆરીએ ખાલિસ્તાન સમર્થક રેલી કાઢવાની તાજેતરમાં જાહેરાત કરી હતી. રિપોર્ટ મુજબ તેણે પન્નુ સાથે પણ કામ કર્યું છે.

આ ઘટના એવા સમયે સામે આવી છે, જ્યારે તાજેતરમાં જ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના સાથીદારના ઘર પર ફાયરિંગ થયું હતું. નિજ્જરના સાથીદાર સિમરનજીત સિંહના ઘર પર ઘણા રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ગત વર્ષે બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારા બહાર પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સના નેતા નિજ્જરની ગોળીમારી હત્યા કરી દેવાઈ હતી.

કેનેડા સરકારે નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેને ભારતી રદીયો આપ્યો હતો. આ ઉપરાંત કહ્યું હતું કે, બીજા દેશોની લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો ભારતી નીતિ નથી. વાસ્તવમાં આ કેનેડા છે, જે ભારતના આંતરિક મુદ્દામાં હસ્તક્ષેપ કરી રહ્યું છે.