ચોથી ટેસ્ટમાં અંગ્રેજોને 5 વિકેટે હરાવી ભારતની ટેસ્ટ સીરિઝમાં 3-1ની અજેય લીડ, ધ્રૂવ-ગિલ ચમક્યાં

February 26, 2024

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેણે ભારતે ટી બ્રેક પહેલા હાંસલ કરી લીધો હતો. શુભમન ગિલ 52 રન અને ધ્રુવ જુરેલ 39 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ જીત સાથે ભારતીય ટીમે 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. ભારતીય ટીમની આ ઘરઆંગણે સતત 17મી સીરિઝ જીત છે. વર્ષ 2012માં એલિસ્ટર કૂકની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમ સામે હાર્યા બાદ ભારતીય ટીમ ઘરઆંગણે સતત સારું પ્રદર્શન કરી રહી છે. તે પછી રમેલી 47 ટેસ્ટ મેચોમાંથી ભારતે 38માં જીત મેળવી છે. આ દરમિયાન તેને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ચેઝ કરતી વખતે કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે 84 રનની ભાગીદારી કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને બેટરોએ ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં બંનેએ મળીને 40 રન જોડ્યા હતા. ત્રીજા દિવસ પછી એવું લાગતું હતું કે ભારત આસાનીથી મેચ જીતી જશે, પરંતુ ચોથા દિવસે ઇંગ્લિશ બોલરોએ પોતાની પકડ વધુ મજબૂત કરી અને અડધી ભારતીય ટીમને 120ના સ્કોર પર પેવેલિયન પરત કરી દીધી. આવી સ્થિતિમાં ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે ચાહકોને નિરાશ કર્યા નહીં અને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢીને જીત તરફ દોરી ગયા. ગિલ અને જુરેલે છઠ્ઠી વિકેટ માટે 72 રનની અણનમ ભાગીદારી કરી હતી.