મનિકા બત્રાએ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને રચ્યો ઇતિહાસ, હવે મેડલ પર નજર

July 31, 2024

પેરિસ ઓલિમ્પિકના ત્રીજા દિવસે ભારત માટે ખુશીના સમાચાર આવ્યા છે. બેડમિન્ટનમાં ચિરાગ અને સાત્વિકની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો, જ્યારે મનિકા બત્રા ટેબલ ટેનિસમાં પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય મહિલા સિંગલ ખેલાડી બની ગઈ હતી. મનિકા બત્રાએ ઓલિમ્પિક ટેબલ ટેનિસ સ્પર્ધાની અંતિમ 32 મેચમાં ફ્રાન્સની 12મી ક્રમાંકિત પ્રીથીકા પાવડેને સીધી રમતમાં હરાવી હતી. કોમનવેલ્થ રમતની ચેમ્પિયન અને 18મું સ્થાન ધરાવતી મનિકાએ 37 મિનિટ સુધી ચાલેલી મેચમાં 11-9, 11-6, 11-9, 11-7થી જીત મેળવી હતી. તે ઓલિમ્પિક ટેબલ ટેનિસના અંતિમ 16માં પહોંચનારી પહેલી ભારતીય ખેલાડી બની છે. મનિકાને પહેલી રમતમાં ડાબા હાથના ખેલાડી સામે મુશ્કેલી પડી હતી અને તે ખૂબ જ રોચક મેચ હતી. મનિકાએ છેલ્લા 3 પોઈન્ટ જીતીને 11-9થી મેચ જીતી લીધી હતી. બીજી રમતની શરૂઆત પણ ખૂબ જ રોચક રહી હતી પરંતુ 6-6ની બરાબરી કર્યા બાદ મનિકાએ પ્રીથીકાને કોઈ તક આપી ન હતી અને તેણે 11-6થી જીત મેળવી હતી.મનિકાએ પોતાનું પ્રદર્શન જાળવી રાખીને ત્રીજી રમતમાં 5 પોઈન્ટની લીડ લીધી પરંતુ પ્રીથીકાએ સતત 4 પોઈન્ટ મેળવી સ્કોર 9-10 કરી દીધો હતો. મનિકાએ ચોથી રમતમાં 6-2ની લીડ સાથે સારી શરૂઆત કરી પોતાની લીડને આગળ 10-4 પોઈન્ટમાં બદલીને 6 પોઈન્ટ મેળવ્યા હતા. પ્રીથીકા 3 મેચ પોઈન્ટ બચાવવામાં સફળ રહી હતી. દબાણના કારણે પ્રીથીકાએ નેટ પર બોલ રમ્યો અને મનિકાએ 11-9થી રમત જીતી લીધી હતી.