મનુ ભાકર અને સરબજોત સિંહે રચ્યો ઇતિહાસ, મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો

July 30, 2024

મનુ ભાકરે ઇતિહાસ રચી દીધો છે. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. મનુ અને સરબજોત સિંહે એર પિસ્તોલ શૂટિંગ મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો છે. 

પેરિસ ઓલિમ્પિકમાં મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ મળતા જ ભારતને બે મેડલ મળી ગયા છે. ઓલિમ્પિકમાં આજે ચોથા દિવસે ભારતીય એથ્લિટસ દેશ માટે વધુ મેડલ લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યા હતા. શૂટિંગમાં ભારત પાસે એર પિસ્તોલ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવાની આશા હતી. જે આશા ભારતીયોને ફળી છે. હરયાણાની મનુ ભાકરે ભારતને બીજો મેડલ અપાવ્યો છે. સરબજોત સિંહ સાથે મળીને તેણે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટની મિક્સ ડબલ્સ ઇવેંટમાં બ્રોન્ઝ જીતી બતાવ્યો છે અને આવું કરનાર તે પ્રથમ ભારતીય બની ગઈ છે. 

મનુ ભાકર અગાઉ 10 મીટર એર પિસ્તોલની વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી. હરિયાણાની આ 22 વર્ષીય ખેલાડીએ ઇતિહાસ રચી દીધો છે. મનુ ભાકરે આ ઇવેન્ટમાં પણ ખૂબ જ ધીરજ રાખી હતી અને ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સતત પ્રભુત્વસભર રમત બતાવી હતી. સરબજોત સિંહ પણ હરિયાણાનો 22 વર્ષીય એથ્લિટ છે.