ભારતનો પેરિસ ઓલિમ્પિકમાં સૌપ્રથમ મેડલ મહિલા શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ જીત્યો

July 29, 2024

પેરિસ: પેરિસમાં ચાલી રહેલા ઓલમ્પિક રમતોત્સવમાં ભારતની મહિલા શૂટર મનુ ભાકરે ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી લઈને આગવો ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે ભારતે પેરિસ ગેમ્સના મેડલ ટેબલમાં ખાતું ખોલાવ્યું હતુ. જ્યારે ઓલિમ્પિક શૂટિંગમાં ભારતના ૧૨ વર્ષના મેડલ 'વનવાસ'નો સુખદ્ અંત આવ્યો હતો. મનુ ભાકર આ સાથે ઓલિમ્પિક શૂટિંગમા મેડલ જીતનારી ભારતની સૌપ્રથમ મહિલા શૂટર બની ગઈ છે, જ્યારે ઓવરઓલ ભારતે ઓલિમ્પિક શૂટિંગમાં આ પાંચમો મેડલ જીત્યો હતો. જ્યારે પિસ્તોલ શૂટિંગમાં ભારતનો આ બીજો ઓલિમ્પિક મેડલ હતો. ભારતને શૂટિંગમાં  છેલ્લે ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. યોગાનુંયોગ ભારતને ૨૦૧૨ના ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અપાવનાર શૂટર ગગન નારંગ જ પેરિસ ગેમ્સમાં ભારતની ટીમનો ચીફ ડી મિશન છે. આ અગાઉ ભારતને પિસ્તોલ શૂટિંગમાં એકમાત્ર મેડલ વિજય કુમારે ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં સિલ્વર જીતીને અપાવ્યો હતો. હરિયાણાની ૨૨ વર્ષની શૂટર મનુ  ભાકરે ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટની ફાઈનલમાં શાનદાર દેખાવ કરતાં ૨૨૧.૭ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફાઈનલમાં એક તબક્કે બીજું સ્થાન મેળવનારી મનુ ભાકરને આખરે ત્રીજા ક્રમથી સંતોષ માનવો પડયો હતો. સાઉથ કોરિયાની ઓહ યે-જીને ૨૪૩.૨ના સ્કોર સાથે નવો ઓલિમ્પિક રેકોર્ડ સર્જતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે સાઉથ કોરિયાની જ કિમ યે-જીએ ૨૪૧.૩ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ના મેડલ ટેબલમાં ભારતે ખાતું ખોલાવી દીધું છે. રસપ્રદ રેકોર્ડ એ પણ છે કે, છેલ્લે ટોકિયોમાં રમાયેલા ઓલિમ્પિકમાં પણ ભારતને સૌપ્રથમ મેડલ બીજા જ દિવસે જીત્યો હતો અને તે પણ એક મહિલા ખેેલાડીએ જ ભારતને અપાવ્યો હતો. ભારતની વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોકિયો ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.