IPL 2024નું મિની ઓક્શન સમાપ્ત, સ્ટાર્ક અને કમિન્સે તોડ્યા તમામ રેકોર્ડ

December 20, 2023

IPL 2024 ની હરાજી પૂરી થઈ ગઈ છે. આ હરાજીમાં કુલ 72 ખેલાડીઓ વેચાયા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો રહ્યો હતો. સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પેટ કમિન્સ બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી હતો. કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હરાજીમાં ભારતનો સૌથી મોંઘો ખેલાડી હર્ષલ પટેલ રહ્યો હતો. પંજાબ કિંગ્સે તેને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. યુપી તરફથી રમતા સમીર રિઝવી સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી હતા. સમીરને ચેન્નાઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ઓક્શનનો છેલ્લો રાઉન્ડ
ઓક્શનના છેલ્લા તબક્કામાં કોલકાતા નાઈટ રાઈડર્સે મનીષ પાંડેને તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. સાઉથ આફ્રિકાના બેટ્સમેન રિલે રુસોને હરાજીના છેલ્લા રાઉન્ડમાં પંજાબ કિંગ્સે રૂ. 8 કરોડમાં ખરીદ્યો હતો. દિલ્હી કેપિટલ્સે પણ આ ખેલાડીને ખરીદવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ પર્સમાં વધુ પૈસા હોવાને કારણે પંજાબે જીત મેળવી હતી. અફઘાનિસ્તાનના મિસ્ટ્રી સ્પિનર ​​મુજીબ ઉર રહેમાનને છેલ્લા રાઉન્ડમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂકેલા અરશદ ખાનને લખનૌ સુપર જાયન્ટ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો વિકેટકીપર બેટ્સમેન શાઈ હોપને દિલ્હી કેપિટલ્સે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડરને 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

એક્સિલરેટર રાઉન્ડ
વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓલરાઉન્ડર શરફાન રધરફોર્ડને કોલકાતા નાઈટ રાઈડર્સે એક્સીલેટર રાઉન્ડમાં તેની મૂળ કિંમત રૂ. 1 કરોડ 50 લાખમાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન એશ્ટન ટર્નરને લખનઉ સુપર જાયન્ટ્સે 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઈંગ્લેન્ડના બોલિંગ ઓલરાઉન્ડર ટોમ કરનને 1 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. ઇંગ્લેન્ડના બોલિંગ ઓલરાઉન્ડર ડેવિડ વિલીને લખનઉ સુપર જાયન્ટ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુસ્તાફિઝુર રહેમાન બેઝ પ્રાઈઝ 2 કરોડમાં ચેન્નઈ સાથે જોડાયો હતો. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસનને દિલ્હી કેપિટલ્સે 5 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન તુશારાને રૂ. 4.80 કરોડ અને અનકેપ્ડ ઓલરાઉન્ડર નમન ધીરને પણ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. અનકેપ્ડ ખેલાડી અંશુલ કંબોજને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો. જ્યારે આશુતોષ શર્માને તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયામાં પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો. આ સિવાય પંજાબ કિંગ્સે વિશ્વનાથ સિંહ અને તનય થિયાગરાજનને તેમની મૂળ કિંમત 20 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા.

અનકેપ્ડ સુમીત અને રોબિન કરોડપતિ બન્યા
સુમીત કુમાર અને રોબિન મિંજ અનકેપ્ડ પ્લેયર્સના એક્સેલેરેટેડ ​​​​​​રાઉન્ડમાં કરોડપતિ બન્યા હતા. ઝારખંડના વિકેટકીપર બેટ્સમેન રોબિન મિન્ઝ માટે ઘણી ટીમોએ બોલી લગાવી હતી. જો કે, અંતે ગુજરાત ટાઇટન્સે આ ખેલાડીને રૂ. 20 લાખની મૂળ કિંમત સાથે રૂ. 3.60 કરોડમાં ખરીદ્યો હતો. સુમિત કુમારને દિલ્હી કેપિટલ્સે 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

એક્સિલરેટર રાઉન્ડમાં સોલ્ડ ખેલાડી
એક્સીલેટર રાઉન્ડમાં ફિન એલન, કોલિન મુનરો, રાસી વાન ડર ડ્યુસન, કૈસ અહમદ, માઈકલ બ્રેસવેલ, શાઈ હોપ અને દુશ્મંથા ચમિરા, મેટ હેનરી અને કાયલ જેમીસન, ટાઇમલ મિલ્સ અને એડમ મિલ્ને જેવા ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા હતા.

સ્પેન્સર જોન્સનને 10 કરોડ રૂપિયાની રકમ મળી
ઓસ્ટ્રેલિયન લેફ્ટ આર્મ પેસર સ્પેન્સર જોન્સન માટે દિલ્હી અને ગુજરાતમાં બિડિંગ વોર જોવા મળ્યું હતું. 50 લાખની બેઝ પ્રાઈઝથી જોનસનની કિંમત 10 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આખરે, ગુજરાતે તેને બેઝ પ્રાઇસ કરતાં 20 ગણી વધુ ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

6 અનકેપ્ડ કરોડપતિ બન્યા
સમીર રિઝવીને ચેન્નઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શુભમ દુબે 5.80 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સનો ભાગ બન્યો. જ્યારે શાહરૂખ ખાનને ગુજરાતે 7.40 કરોડમાં ખરીદ્યો હતો. વિકેટકીપર કુમાર કુશાગ્રને દિલ્હી કેપિટલ્સે રૂ. 7.20 કરોડમાં ખરીદ્યો હતો. તો બોલર યશ દયાલને RCBએ 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મનિમરન સિદ્ધાર્થને લખનૌ સુપર જાયન્ટ્સે 2 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

દસમાં સેટમાં અનકેપ્ડ સ્પિન બોલર પર બિડિંગ
દસમાં સેટમાં અનકેપ્ડ સ્પિનર માનવ સુથારને ગુજરાત ટાઈટન્સે 20 લાખમાં ખરીદ્યો હતો. શ્રેયસ ગોપાલ મુંબઈ ઈન્ડિયન્સ સાથે 20 લાખમાં જોડાયો હતો. અંડર-19 સ્ટાર મનિમરન સિદ્ધાર્થ પણ હરાજીમાં કરોડપતિ બન્યો હતો. આ અનકેપ્ડ યુવા ખેલાડીને લખનૌ સુપર જાયન્ટ્સે 2 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઈઝ માત્ર 20 લાખ રૂપિયા હતી. જ્યારે પુલકિત નારંગ, મુરુગન અશ્વિન અનસોલ્ડ રહ્યા હતા.

નવમાં સેટમાં અનકેપ્ડ ફાસ્ટ બોલર પર બિડિંગ
ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 5 કરોડમાં ખરીદ્યો હતો. યુવા અનકેપ્ડ ખેલાડી સુશાંત મિશ્રાને ગુજરાત ટાઇટન્સ દ્વારા કરોડપતિ બનાવવામાં આવ્યો હતો. 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ ધરાવતા સુશાંત મિશ્રાને ગુજરાત ટાઇટન્સે 2 કરોડ 20 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આકાશ સિંહ તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં સનરાઇઝર્સ હૈદરાબાદમાં જોડાયો હતો. રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂકેલા અંડર-19 સ્ટાર અને ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીને ગુજરાત ટાઇટન્સે માત્ર 60 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. રાશિક દરને દિલ્હી કેપિટલ્સે 20 લાખમાં ખરીદ્યો હતો. જ્યારે કુલદીપ યાદવ અને ઈશાન પોરેલ અનસોલ્ડ રહ્યા હતા.

આઠમાં સેટમાં અનકેપ્ડ વિકેટકીપર પર બિડિંગ
આઠમાં સેટમાં વિકેટકીપર પર બોલી લગાવવામાં આવી હતી, ઝારખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા 19 વર્ષીય કુમાર કુશાગ્રને દિલ્હી કેપિટલ્સે 7.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઇંગ્લેન્ડના યુવા અનકેપ્ડ ખેલાડી ટોમ કોહલર કેડમોરને રાજસ્થાન રોયલ્સે તેની મૂળ કિંમત 40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે ઉર્વીલ પટેલ, વિષ્ણુ સોલંકી અને રિકી ભુઇ અનસોલ્ડ રહ્યા હતા.

સાતમાં સેટમાં અનકેપ્ડ ઓલરાઉન્ડર પર બિડિંગ
અર્શિન કુલકર્ણીને લખનૌ સુપર જાયન્ટ્સને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે ગુજરાત ટાઇટન્સે 40 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા શાહરુખ ખાનને 7.40 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. રમનદિપ સિંહને કોલકતા નાઈટ રાઈડર્સે 20 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે સરફરાઝ ખાન, રાજ અંગદ બાવા, વિવંત શર્મા, અતિત શેઠ અને રિતિક શોકીન અનસોલ્ડ રહ્યા હતા.

શાહરૂખ ફરી કરોડપતિ બન્યો
2022ના ઓકશનમાં 9 કરોડ રૂપિયામાં વેચાયેલ અનકેપ્ડ બેટર શાહરૂખ ખાન ફરી કરોડપતિ બન્યો છે. પંજાબ અને ગુજરાતે તેના માટે બિડિંગ કર્યું હતું. આખરે તેને ગુજરાત ટાઇટન્સે રૂ. 7.40 કરોડમાં ખરીદ્યો હતો.

છઠ્ઠા સેટમાં અનકેપ્ડ બેટર પર બિડિંગ
છઠ્ઠા સેટમાં પ્રથમ બોલી અનકેપ્ડ બેટર શુભમ દુબે પર લગાવવામાં આવી છે. રાજેસ્થાન રોયલ્સે તેને શુભમ દુબેને 5.80 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો. શુભમ દુબેને તેની બેઝ પ્રાઈઝ કરતા 30 ગણી વધુ રકમ મળી હતી. 20 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા ભારતીય અનકેપ્ડ બેટર સમીર રીઝવીને ચેન્નઈ સુપર કિંગ્સે 8.4 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે રોહન કુન્નુમલ અને સૌરવ ચૌહા, પ્રિયાંશ આર્ય અને મનન વોહરા અનસોલ્ડ રહ્યા હતા.

અનકેપ્ડ બેટર શુભમ દુબે 5.80 કરોડમાં વેચાયો
વિદર્ભના અનકેપ્ડ ડાબોડી બેટર શુભમ દુબેને તેની બેઝ પ્રાઈસ કરતાં 30 ગણી વધુ પ્રાઈઝ મળી હતી. રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે તેના માટે બિડિંગ વોર થયું હતું. આખરે રાજસ્થાને તેને 5.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

અનકેપ્ડ સમીર રિઝવી બેઝ પ્રાઇસ કરતા 42 ગણા વધુ ભાવે વેચાયો
યુપી T-20 લીગમાં ચમકનાર 20 વર્ષીય અનકેપ્ડ બેટર સમીર રિઝવી માટે બિડિંગ વૉર થયું હતું. તેના માટે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થયો હતો. અંતે, ચેન્નઈએ તેને બેઝ પ્રાઇસ કરતાં 42 ગણી વધુ ચૂકવીને 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો. સમીરની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી. રિઝવી યુપી T20 લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

પ્રથમ પાંચ સેટમાં 21 ખેલાડી વેચાયા
પ્રથમ પાંચ સેટમાં 21 ખેલાડીઓ વેચાયા છે, 14 વિદેશી અને 7 ભારતીય ખેલાડીઓને ખરીદનાર મળ્યા છે. 10 ટીમમાં હજુ પણ 56 ખેલાડીઓની જગ્યાઓ ખાલી છે. ગુજરાત પાસે હજુ પણ સૌથી વધુ રૂ. 31.85 કરોડનું પર્સ છે. કોલકાતા નાઈટ રાઈડર્સમાં 9 ખેલાડીઓની જગ્યા ખાલી છે અને તેમની પાસે માત્ર 6.95 કરોડ રૂપિયા બાકી છે. 

પાંચમાં સેટમાં સ્પિનર બોલર પર બિડિંગ
આ સેટમાં 5 સ્પિનર બોલરના નામ આવ્યા હતા. પરંતુ ટીમોએ એક પણ ખેલાડીમાં રસ દાખવ્યો ન હતો. જેમાં આદિલ રશિદ, અકિલ હુસેન, ઈશ સોઢી, તબરેઝ શમ્સી અને મુજીબ ઉર રહેમાન જેવા સ્પિનર અનસોલ્ડ રહ્યા હતા.

ચોથા સેટમાં ફાસ્ટ બોલર પર બિડિંગ
ચોથા સેટમાં પ્રથમ બોલી ભારતીય ફાસ્ટ બોલર ચેતન સાકરીયા પર લાગી હતી. ચેતન સાકરીયાને કોલકતાએ તેની બેઝ પ્રાઈઝ 50 લાખમાં ટીમમાં સામેલ કર્યો હતો. 1 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલઝારી જોસેફને RCBએ 11 ગણી વધુ કરમ આપીને 11.50 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 2 કરોડની પ્રાઈઝ ધરાવતા ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ગુજરાત ટાઈટન્સે 5.80 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે 50 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા ભારતીય ફાસ્ટ બોલર શિવમ માવીને 12 ગણી વધુ રકમ મળી હતી. માવીને લખનઉ સુપર જાયન્ટસે 6.4 કરોડમાં ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. કોલકતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાને લખનઉ સુપર જાયન્ટસે 6.4 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બોલર જોસ હેઝલવુડ અનસોલ્ડ રહ્યો હતો. 

મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
દિલ્હી કેપિટલ્સે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પર પ્રથમ બોલી લગાવી હતી. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. મુંબઈ અને દિલ્હી વચ્ચે રૂ. 9.60 કરોડ સુધીની બિડિંગ જોવા મળી હતી. આ પછી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સે બોલી લગાવવાનું શરૂ કર્યું. આખરે કોલકાતાએ સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદ્યો. સ્ટાર્કને ખરીદવા માટે ગુજરાત અને કોલકાતા વચ્ચે લાંબી સ્પર્ધા ચાલી હતી. ગુજરાતે 24.50 કરોડની છેલ્લી બોલી લગાવી હતી. પરંતુ કોલકાતાએ આના કરતા વધુ બોલી લગાવીને સ્ટાર્કને ખરીદ્યો હતો. આ પહેલા પેટ કમિન્સને હૈદરાબાદે 20.50 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ કમિન્સનો રેકોર્ડ દોઢ કલાકમાં તૂટ્યો હતો.

ત્રીજા સેટમાં વિકેટકીપર પર બિડિંગ
વિકેટકીપરના સેટ-3માં 5 ખેલાડીઓના નામ આવ્યા હતા. પરંતુ માત્ર 2ને જ ખરીદનાર મળ્યા હતા. ન્યુઝીલેન્ડના વિકેટકીપર બેટ્સમેન ટ્રીસ્ટન સ્ટબસને 50 લાખમાં દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ભારતીય વિકેટકીપર કેએસ ભરતને કોલકતા નાઇટ રાઈડર્સે 50 લાખમાં ખરીદ્યો હતો. જ્યારે ફિલ સોલ્ટ, જોસ ઈંગ્લિશ અને કુશલ મેન્ડિસ અનસોલ્ડ રહ્યા હતા.

બીજા સેટમાં ઓલરાઉન્ડર પર બિડિંગ
શ્રીલંકાના વાનિન્દુ હસરાંગાની ખરીદીએ સૌને ચોંકાવી દીધા હતા. તેને સનરાઈઝર્સ હૈદરાબાદે 1.50 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો હતો.  જ્યારે 50 લાખની બેઝ પ્રાઇસ ધરાવતા ન્યુઝીલેન્ડના યુવા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રને ચેન્નાઈ સુપર કિંગ્સે 1 કરોડ 80 લાખમાં ખરીદ્યો હતો. ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને તેની બેઝ પ્રાઈઝ કરતા બે ગણી રકમ આપીને 4 કરોડમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટીમમાં સામેલ કર્યો છે. અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઉમરઝાઈને ગુજરાત ટાઈટન્સે તેની બેઝ પ્રાઇઝ 50 લાખમાં ખરીદ્યો છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર પેટ કમિન્સન IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.5 કરોડમાં ખરીદ્યો હતો. સાઉથ આફ્રિકાના ગેરાલ્ડ કોએત્ઝીને મુંબઈ ઈન્ડિયન્સે 5 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ભારતીય ઓલરાઉન્ડર હર્ષલ પટેલને 11.75 કરોડમાં પંજાબ કિંગ્સ તેમની ટીમમાં સામેલ કર્યો છે. ન્યુઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ડેરિલ મેચિલને બેઝ પ્રાઈઝ કરતા 14 ગણી રકમ મળી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે 14 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા ક્રિસ વોક્સને પંજાબ કિંગ્સે 4.20 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

હર્ષલ સૌથી મોંઘો ભારતીય ખેલાડી
સ્લોઅર બોલ સ્પેશિયાલિસ્ટ હર્ષલ પટેલ માટે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે બિડિંગ સ્પર્ધા થઈ હતી. ગુજરાતે રૂ. 10.75 કરોડ સુધીની બોલી લગાવી, ત્યારબાદ લખનઉ સુપરજાયન્ટ્સ પણ આવ્યું હતું. પંજાબ હજુ પણ અંત સુધી ટકી રહ્યું અને તેણે હર્ષલને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ ઓક્શનમાં તે સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો હતો.

પેટ કમિન્સ પર પૈસાનો વરસાદ
ઓસ્ટ્રેલિયન ખેલાડી પેટ કમિન્સની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે કમિન્સ પર પહેલી બોલી લગાવી હતી. આ પછી મુંબઈ ઈન્ડિયન્સે બોલી લગાવવાનું શરૂ કર્યું. આ બંને વચ્ચે 4.80 કરોડ રૂપિયા સુધીની બિડિંગ થઈ હતી. આ પછી RCB અને ચેન્નાઈએ રૂ. 7.60 કરોડ સુધી બિડિંગમાં રહી હતી. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદે અને RCB સ્પર્ધા થઈ હતી. અંતે સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો હતો. કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.5 કરોડમાં ખરીદ્યો હતો.

પ્રથમ સેટમાં બેટ્સમેનો પર બિડિંગ
પ્રથમ સેટમાં 7 ખેલાડીઓના હારજી થઇ હતી. જેમાંથી 3 સોલ્ડ અને 4 અનસોલ્ડ રહ્યા હતા. IPL ઓકશનના પ્રથમ સેટમાં પ્રથમ બોલી વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન રોવમેન પોવેલ લગાવવામાં આવી હતી. પોવેલને રાજસ્થાન રોયલ્સે 7 કરોડ 40 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. રોવમેન પોવેલની બ્રેઝ પ્રાઈઝ 1 કરોડ હતી. ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેનને હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડને સનરાઇઝર્સ હૈદરાબાદે 6 કરોડ 80 લાખમાં ખરીદ્યો હતો. જ્યારે સાઉથ આફ્રિકાનો બેટ્સમેન રિલે રુસો, ભારતીય બેટ્સમેન કરુણ નાયર, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ  અને મનીષ પાંડે અનસોલ્ડ રહ્યા હતા. પ્રથમ સેટમાં હેરી બ્રુક, ટ્રેવિસ હેડ, કરુણ નાયર, મનીષ પાંડે, રોવમેન પોવેલ, રિલે રુસો અને સ્ટીવ સ્મિથ પર બોલી લગાવવામાં આવશે. બ્રુક, હેડ, સ્મિથ અને રિલે રુસોની મૂળ કિંમત રૂ. 2 કરોડ છે.