ઓસ્ટ્રેલિયન ઓપનમાં મોટો અપસેટ, નંબર વન મહિલા ખેલાડી ઇંગા સ્વાઇટેક બહાર

January 22, 2023

એલેનાએ શાનદાર રમત રમતા ઈંગા સ્વાઈટેકને સીધા સેટમાં હરાવી હતી


ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરૂષો બાદ મહિલા સિંગલ્સમાં પણ અપસેટનો તબક્કો શરૂ થયો છે. વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી ઇંગા સ્વાઇટેક ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થઇ ગઇ છે. તે આજે મહિલા સિંગલ્સના ચોથા રાઉન્ડમાં એલેના રાયબકીના સામે 4-6, 4-6થી હારી ગઈ હતી. રાયબકીનાએ મહિલા સિંગલ્સમાં નંબર વન ખેલાડીને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. આ ટૂર્નામેન્ટમાં સ્વાઈટેક પણ ટોચની ક્રમાંકિત મહિલા ખેલાડી હતી. વર્તમાન વિમ્બલ્ડન ચેમ્પિયન રાયબકીનાએ ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય કરીને ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદારી નોંધાવી છે.


આ ટુર્નામેન્ટમાં અગાઉ ટોચના ક્રમાંકિત રફેલ નડાલ અને બીજા ક્રમાંકિત કેસ્પર રૂડ પુરૂષ સિંગલ્સમાં બહાર થઈ ગયા હતા. આ બે સિવાય એન્ડી મરે અને ડેનિલ મેદવેદેવ પણ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. કઝાકિસ્તાનની રાયબકીનાએ એક કલાક અને 29 મિનિટ સુધી ચાલેલી મેચમાં શાનદાર રમત રમી અને સ્વાઇટેકને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધી હતી.