રોનાલ્ડોની વધુ એક સિદ્ધિ, 900 ગોલ કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો, 1236 મેચ રમી ચૂક્યો

September 07, 2024

પોર્ટુગલ : પોર્ટુગલના ફૂટબોલ લેજન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વધુ એક સિદ્ધિનું શિખર સર કરતાં કારકિર્દીનો 900મો ગોલ ફટકારનારા વિશ્વના સૌપ્રથમ ખેલાડી તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું હતુ. રોનાલ્ડોએ તેની 21 વર્ષની કારકિર્દીમાં 1236 મેચ રમીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. 

યુરોપિયન નેશન્સ લીગ ફૂટબોલ ચેમ્પિયનશિપના શરૂઆતના રાઉન્ડની મેચમાં રોનાલ્ડોના ગોલની મદદથી પોર્ટુગલ 2-1 થી ક્રોએશિયા સામે વિજેતા બન્યું હતુ. આ પહેલા ડેલોટે પોર્ટુગલને 7મી મિનિટે સરસાઈ અપાવી હતી. ત્યારે રોનાલ્ડોએ 34મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. જો કે ડેલોટના 41મી મિનિટના ઓન ગોલનો ફાયદો ક્રોએશિયાને મળ્યો હતો. રોનાલ્ડોએ ગોલ ફરકારતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો અને તેણે 900 ગોલ પૂરાં કરી લીધા હતા. 39 વર્ષના રોનાલ્ડોએ હવે 1000 ગોલ ફટકારવાની સિદ્ધિ તરફ મીટ માંડી છે. રોનાલ્ડોએ યુટ્યૂબ ચેનલમાં તેના માન્ચેસ્ટર યુનાઈટેડના સાથી ખેલાડી રિયો ફર્ડીનાન્ડ સાથેની મુલાકાતમાં કહ્યું હતુ કે, મને વિશ્વાસ છે કે, આગામી વર્ષોમાં હું 1000 ગોલના માઈલસ્ટોનને હાંસલ કરી લઈશ.

બ્રાઝિલના ફૂટબોલ લેજન્ડ પેલે અને રોમારિયો અગાઉ અલગ-અલગ સમયે દાવો કરી ચૂક્યા છે કે, તેઓએ તેમની કારકિર્દી દરમિયાન 1000થી વધુ ગોલ ફટકાર્યા હતા.જો કે, તેમણે ફ્રેન્ડલી મેચીસમાં ફટકારેલા ગોલની તેમના કુલ ગોલની યાદીમાંથી બાદબાકી કરવામાં આવે તો તેમના ગોલ 700 થી 800ની વચ્ચેના રહી જાય છે. જ્યારે રોનાલ્ડોના આ ગોલ સત્તાવાર મેચીસના છે.