Paris Olympics: હોકીમાં ભારતની આયર્લેન્ડ સામે શાનદાર જીત, બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગનો વિજય

July 31, 2024

પેરિસ ઓલિમ્પિકમાં આજે પાંચમાં દિવસે ભારત માટે એક સારા સમાચાર એ આવ્યા હતા. ભારતના શૂટર્સ મનુ ભાકર અને સરબજોત સિંહની મિક્સ્ડ ડબલ્સ ટીમે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મેડલ ટેલીમાં આ સાથે ભારતના બે મેડલ્સ થઈ ગયા હતા. ત્યાર બાદ ભારતની હોકી ટીમ આયર્લેન્ડ સામે રમવા ઉતરી હતી. જેમાં ભારતનો 2-0થી આસાન વિજય થયો હતો. આ સાથે પુલ - B માં ભારત ટોપ પર આવી ગયું છે. ભારતે પોતાના પુલમાં બે મેચ જીતી છે અને એક ટાઈ રહી હતી. જો આ જ પ્રકારનો ટીમનો દેખાવ રહેશે તો ભારતીય ટીમ મેડલથી દૂર નથી.કેપ્ટન હરમનપ્રીત સિંહે ભારતને પ્રથમ ગોલ નોંધાવીને સારી શરૂઆત અપાવી હતી. ત્યાર પછી બીજા ક્વાર્ટરમાં પણ તેણે બીજો ગોલ ફટકારીને ભારતને મજબૂતાઈ અપાવી હતી. હરમનપ્રીત સિંહે કેપ્ટન તરીકે ટીમને ત્રણ મેચમાં ભારત માટે કુલ 4 ગોલ નોંધાવીને ગોલ સ્કોરમાં પણ ટોપ કર્યું હતું. અગાઉ ભારતની હોકી ટીમે આર્જેન્ટિના સામે મેચ ડ્રો કરી હતી. શરૂઆતમાં જ આર્જેન્ટિનાએ ગોલ નોંધાવી ભારતને દબાણમાં લાવી દીધું હતું. રમતના છેલ્લા ક્વાર્ટરમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે આખરે એક પેનલ્ટીને ગોલમાં કન્વર્ટ કરીને ભારતને બરોબરી કરવાની તક આપી હતી અને મેચ બચાવી લીધી હતી.બેડમિન્ટનમાં પણ ભારતને વધુ એક મેડલ મળે તેવી શક્યતાઓ બની ગઈ છે. મેન્સ ડબલ્સમાં સાત્વિક ચિરાગની જોડીએ ભારતને જીત અપાવી હતી. બંનેએ 21-13, 21-13થી પોતાની મેચ જીતી લીધી હતી. તો આર્ચરીમાં ભજન કૌરનો પણ રાઉન્ડ 32માં વિજય થયો હતો. હવે તેણી રાઉન્ડ ઑફ 16માં રમશે. અગાઉ શૂટિંગમાં મનુ ભાકર અને સરબજોત સિંહે મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.