પીએમ મોદીએ પુતિનના નિવાસસ્થાને કરી મુલાકાત : અનેક મુદ્દા પર કરી ચર્ચા

July 09, 2024

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ પછી બંને નેતાઓ વચ્ચે ખાનગી મુલાકાત થઈ હતી અને બંનેએ સાથે ખાનગી ડિનર પણ કર્યું હતું. પીએમ મોદી રશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે.

PM મોદી મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ યોજશે. રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીની રશિયાની મુલાકાત અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની વાતચીત દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધો, વિજ્ઞાન અને તકનીક સંશોધનના કેટલાક નવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

લગભગ પાંચ વર્ષમાં PM મોદીની રશિયાની આ પહેલી મુલાકાત છે. તેઓ છેલ્લે 2019માં રશિયા ગયા હતા. અત્યાર સુધીમાં ભારત અને રશિયામાં એક પછી એક 21 વાર્ષિક સમિટ યોજાઈ ચૂકી છે. છેલ્લી સમિટ 6 ડિસેમ્બર, 2021ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.