જાપાનમાં સિંગાપુર એરલાઈન્સના વિમાનમાંથી અચાનક ધૂમાડો નીકળતા તંત્ર ચિંતિત

August 13, 2024

જાપાન દેશના નારિતા શહેરમાં આવેલા એરપોર્ટ પર સોમવારે સવારના સમયે ભારે ચકચાર મચી ગયો હતો. જ્યારે લેન્ડિંગ થઈ રહેલા સિંગાપુર એરલાઈન્સના વિમાનમાંથી અચાનક ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આ ઘટનાને પગલે તાબડતોબ એરપોર્ટ વહીવટી તંત્રએ એરપોર્ટના રન-વેને હંગામી રીતે બંધ કરી દીધો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ. એકપણ યાત્રી ઈજાગ્રસ્ત કે કોઈ મરણની ઘટના સામે નહોતી આવી.

મળતી માહિતી અનુસાર, અધિકારીઓને સિંગાપુર એરલાઈન્સના વિમાનના ડાબા એન્જિનમાં ધૂમાડો નીકળવાની સૂચના મળી હતી. જેથી એરપોર્ટ અને ફાયર સર્વિસના અધિકારીઓએ ધૂમાડો નીકળતા છ ફાયર બ્રિગેડની ગાડીઓ અને બે એમ્બયુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે આ સમગ્ર ઘટનાને જોતા એરપોર્ટના અધિકારીઓએ એરપોર્ટના રન-વેને સવારે 7.40 વાગ્યાથી બંધ કરી દીધો હતો.