અમેરિકાની ચૂંટણી, મતદારોને રિઝવવા ગાંજો કાયદેસર કરવાનુ વચન

September 15, 2024

ન્યૂ યોર્ક : અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા રાજકીય પાર્ટીઓ તમામ મથામણ કરી રહી છે. ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ અને પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતપોતાના દાવાઓ વડે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 
તાજેતરમાં ફિલાડેલ્ફિયામાં યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડીબેટમાં ચર્ચા દરમિયાન કમલા હેરિસ અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો અને મંતવ્ય રજૂ કર્યા હતા. પરંતુ આ ચૂંટણીમાં મહત્ત્વના મુદાઓ માનો એક મુદો ગાંજાને કાયદેસર કરવા માટેનો પણ છે. અને સૌથી ખાસ બાબતએ છે કે, બંને ઉમેદવારો અમેરિકામાં ગાંજાને કાયદેસર કરવાના પક્ષમાં છે. ચાલો જાણીએ આવું કેમ છે?
અમેરિકામાં છેલ્લા સો વર્ષથી ગાંજાના ઉપયોગ પર સંઘીય પ્રતિબંધ છે. તે ફક્ત તબીબી ઉપયોગ માટે જ માન્ય છે. છતાં પણ અમેરિકાના 24 અને કોલંબિયા જિલ્લામાં ગાંજાને કાયદેસર માન્યતા પ્રાપ્ત છે. આ રાજ્યોમાં ગાંજાના વેચાણને દારૂના વેચાણની જેમ નિયંત્રિત કરવામાં આવે છે, અને તેના પર ટેક્સ પણ વસુલવામાં આવે છે. આ માટે મારિજુઆના(ગાંજા) પોલિસી પ્રોજેક્ટનો સહારો લેવામાં આવ્યો છે કે, જે ગાંજાને કાયદેસર કરવાને સમર્થન આપે છે. કુલ અમેરિકાની વસ્તીના 53 ટકા વસ્તી એવા રાજ્યોમાં રહે છે કે, જ્યાં ગાંજાના વેચાણને કાયદેસરતા આપવામાં આવી છે.


આ સિવાય અમેરિકામાં સાત રાજ્યો એવા પણ છે કે, જેને ઓછી માત્રામાં ગાંજો રાખવા બદલ જેલની સજા આપવાનું બંધ કરી દીધું છે. હાલમાં કુલ મળીને ગાંજાના તબીબી ઉપયોગને 38 રાજ્યો અને કોલંબિયા જીલ્લા સહિત મંજૂરી આપે છે. સૌથી ચોંકાવનારીની વાત એ છે કે, એક સર્વે અનુસાર અમેરિકાના લગભગ 70 ટકા પુખ્ત વયના લોકો ગાંજાને કાયદેસર કરવાનું સમર્થન કરી રહ્યા છે. અગાઉ યોજાયેલી ચૂંટણીમાં ઘણાં પુખ્ત વયના લોકોએ ગાંજાને કાયદેસર બનાવવા માટે મતદાન કર્યું હતું. કદાચ આ જ કારણ છે કે, આ વખતે ચૂંટણીમાં બંને ઉમેદવારો ગાંજાને કાયદેસર કરવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.