ભારતીય ટીમમાં 'ગૌતમ યુગ'ની શરુઆત, પહેલી સીરિઝમાં જ 'ગંભીર' વ્યૂહનીતિથી વિશ્વ ક્રિકેટને ચોંકાવ્યું

July 31, 2024

કોચ ગૌતમ ગંભીરના યુગની શાનદાર શરૂઆત થઈ છે. ભારતે શ્રીલંકા વિરુદ્ધ ટી-20 સિરીઝ 3-0થી જીતી લીધી છે. ત્રીજી ટી-20 મેચ ભારતે સુપર ઓવરમાં જઈને જીતી. ગંભીરના કોચિંગમાં ભારતીય ટીમે આ પહેલી સિરીઝ રમી હતી. પહેલી જ સિરીઝમાં કોચ ગંભીરની અચૂક ચાલે વિશ્વ ક્રિકેટને વિચારવા પર મજબૂર કરી દીધું છે. ખાસ કરીને ત્રીજી T20માં ભારતીય ટીમે પ્રથમ મેચ જીતીને ટાઈ કરીને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું હતું. એક સમયે ભારતીય ટીમ મેચને હારવાની નજીક હતી પરંતુ રિંકુ સિંહ અને કેપ્ટન સૂર્યકુમારની બોલિંગે મેચમાં સારો તફાવત પેદા કર્યો. આ બે ખેલાડીઓએ મેચમાં બોલિંગ કરી અને ભારત માટે મેચને ટાઈ કરી દીધી. બંનેની બોલિંગે જ મેચને પલટવાનું કામ કર્યું. તે બાદ ફરીથી સુપર ઓવરમાં વોશિંગ્ટન સુંદરે માત્ર એક રન આપીને ભારતને મેચ જીતાડી દીધી. આ ગંભીરની આક્રમણ રણનીતિનું ઉદાહરણ છે કે મહત્વના સમયે રિંકુ સિંહ અને અંતિમ ઓવરમાં સૂર્યકુમાર યાદવે બોલિંગ કરી. બંનેની બોલિંગે શ્રીલંકાના બેટ્સમેનોના હોશ ઉડાડી દીધા. વરસાદના કારણે એક કલાક વિલંબથી શરૂ થયેલી મેચમાં શ્રીલંકાની ટીમ કુસાલ મેન્ડિસ (43) ની પથુમ નિસાંકા (26) ની સાથે પહેલી વિકેટની 58 અને કુસાલ પરેરા (46) ની સાથે બીજી વિકેટની 52 રનની ભાગીદારીથી 16મી ઓવરમાં એક વિકેટ પર 110 રન બનાવીને સરળ જીત તરફ આગળ વધી રહી હતી પરંતુ બોલરોએ પાસું પલટી દીધું. શ્રીલંકાને અંતિમ પાંચ ઓવરમાં જીત માટે 30 રનની જરૂર હતી. રિંકુ સિંહે 19મી ઓવરમાં પરેરાને પોતાના જ બોલ પર કેચ આપી દીધો હતો. બાદમાં રમેશ મેન્ડિસ (03) ને આઉટ કરીને મેચને રોમાંચક બનાવી. પરેરાએ 34 બોલમાં પાંચ ચોગ્ગા માર્યાં.  શ્રીલંકાને અંતિમ ઓવરમાં છ રનની જરૂર હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતે બોલિંગ કરવા ઉતર્યો. તેણે બીજા બોલ પર કામિંદુ મેન્ડિસ (01) ને રિંકુના હાથે કેચ કરાવીને ટી20 આંતરરાષ્ટ્રીયમાં પહેલી વિકેટ મેળવી. આગામી બોલ પર તીક્ષણા (00) પણ સેમસનને કેચ આપી બેઠો. ચોથા બોલ પર ફર્નાંડોએ એક રન બનાવ્યો. હવે અંતિમ બે બોલ પર પાંચ રનની જરૂર હતી. વિક્રમસિંઘે બંને બોલ પર બે-બે રન બનાવીને મેચને ટાઈ કરાવી. ગંભીરના કોચ બનતાં જ ભારતીય ક્રિકેટમાં આક્રમક નિર્ણય થવા લાગ્યા. સૌથી પહેલા સૂર્યાને ટી20નો કેપ્ટન બનાવવામાં આવ્યો. પછી શુભમન ગિલને વનડે અને ટી20નો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો. કોહલી અને રોહિત જેવા સીનિયર ખેલાડીઓને વનડે સિરીઝમાં રમવા માટે બોલાવવામાં આવ્યા. તે બાદ હવે ટી-20 સિરીઝની અંતિમ મેચમાં સૂર્યા અને રિંકુએ બોલિંગ કરીને ગંભીર યુગનું એલાન કરી દીધું. હવે વિશ્વ ક્રિકેટ પણ ગંભીર યુગના આગમનથી ચોંકી ગયું છે.