શેરબજારમાં મંદીનું જોર વધ્યું, સ્મોલકેપ-મીડકેપમાં 1000 પોઈન્ટનું ગાબડું, 6 લાખ કરોડની મૂડી ધોવાઈ

February 11, 2025

અમદાવાદ શેરબજારમાં ટ્રમ્પનો ટેરિફ વોર, રૂપિયામાં કડાકો અને એફઆઈઆઈની વેચવાલીના કારણે મંદીનું જોર વધી રહ્યું છે. સેન્સેક્સ આજે નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ 403 પોઈન્ટ તૂટ્યો હતો. જે 11.17 વાગ્યે 290.22 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોએ આજે રૂ. 6.07 લાખ કરોડ ગુમાવી છે. છેલ્લા પાંચ દિવસમાં સેન્સેક્સમાં 1902 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી છે. 

નિફ્ટી પણ 23300નું સપોર્ટ લેવલ તોડી 23250.90 થયો હતો. જે 11.24 વાગ્યે 95.90 પોઈન્ટ તૂટી 23285.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી ખાતે આજે 35 શેર ઘટાડા તરફી અને 15 શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી50 ખાતે અદાણી એન્ટરપ્રાઈઝિસ 3.56 ટકા, ઈન્ફોસિસ 0.89 ટકા, ગ્રાસીમ 0.87 ટકા ઉછાળે તો ઓપોલો હોસ્પિટલ 6.18 ટકા, આયશર મોટર્સ 5.99 ટકા, શ્રીરામ ફાઈનાન્સ 2.89 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.

બીએસઈ ખાતે ટ્રેડેડ 3877 શેર પૈકી 655 શેરમાં સુધારો અને 3093 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 316 શેરમાં 5થી 20 ટકા સુધીની લોઅર સર્કિટ વાગી છે. આજે સેક્ટોરલ ઈન્ડેક્સમાં સાર્વત્રિક ધોરણે વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. રિયાલ્ટી ઈન્ડેક્સ સૌથી વધુ 3.35 ટકા તૂટ્યો હતો. 

શેરબજારમાં મંદીની સૌથી વધુ અસર સ્મોલકેપ અને મીડકેપ શેરો પર જોવા મળી છે. સ્મોલકેપ 1432 પોઈન્ટ અને મીડકેપ ઈન્ડેક્સ 1031.37 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો હતો. એફએમસીજી, પીએસયુ, પાવર, ઓઈલ એન્ડ ગેસ સહિતના ઈન્ડેક્સ 2 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વિશ્વમાં ફરી પાછું ટ્રેડ વોર શરૂ થવાની ભીતિ વધી છે. હાલમાં જ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. જેના લીધે ફુગાવો વધવાની સંભાવના છે. આ પ્રોડક્ટ્સની અમેરિકામાં નિકાસ કરતાં ભારત સહિતના દેશોનું ટેન્શન વધ્યું છે. ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ થયા બાદ ટ્રમ્પના અટકચાળાના લીધે ફરી પાછું યુદ્ધ શરૂ થવાની સંભાવના પણ વધી છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, ટ્રેડવોર અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે શેરબજાર કડડભૂસ થયા છે. બીજી તરફ સોના-ચાંદીમાં ઉછાળો નોંધાયો છે.