અમેરિકા બાંગ્લાદેશની વહારે, 20 કરોડ ડૉલરની સહાય આપશે

September 15, 2024

ઢાંકા : રાજકીય અસ્થિરતાથી ઝઝૂમી રહેલા બાંગ્લાદેશને અમેરિકા મોટી નાણાકીય સહાય પ્રદાન કરશે. બાંગ્લાદેશનો વિકાસ કરવા, યુવાનોને સશક્ત બનાવવા, લોકશાહીને મજબૂત કરવા, આરોગ્યમાં સુધારો કરવા અને દક્ષિણ એશિયાના લોકો માટે વ્યાપાર અને આર્થિક તકોનો વિસ્તાર કરવાના ઉદ્દેશ્યથી અમેરિકા  20 કરોડ યુએસ ડોલર (લગભગ 17 અબજ રૂપિયા)ની સહાય આપશે. બાંગ્લાદેશના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ પ્રેસ રીલીઝ મુજબ, આર્થિક સંબંધો વિભાગના અધિક સચિવ અને યુએસએઆઈડી (USAID) ના મિશન ડાયરેક્ટરે તેમની સરકાર વતી ઢાકામાં 'ધ ડેવલપમેન્ટ ઓબ્જેક્ટિવ ગ્રાન્ટ એગ્રીમેન્ટ (DOAG) ના છઠ્ઠા સુધારા પર હસ્તાક્ષર કર્યા હતા.
મીડિયા અહેવાલો અનુસાર, આ કરાર હેઠળ યુએસએઆઇડી બાંગ્લાદેશને સુશાસન, સામાજિક, માનવતાવાદી અને આર્થિક તકો માટે 202.25 મિલયન યુએસ ડોલર આપશે. 27 સપ્ટેમ્બર, 2021ના ​​રોજ, બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચે 2021થી 2026ના સમયગાળા માટે નવા ડીઓએજી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આ કરાર હેઠળ અમેરિકા બાંગ્લાદેશને 954 મિલિયન યુએસ ડોલરની સહાય કરવા પ્રતિબદ્ધ છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, 5માં સુધારા સુધી, અમેરિકા બાંગ્લાદેશને 425 મિલિયન યુએસ ડોલર પ્રદાન કરી ચૂક્યું છે.