ગુજરાતમાં હવામાનનો બેવડો માર! 4 દિવસ મેઘગર્જના સાથે માવઠાની આગાહી

March 30, 2025

ચાર દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડશે માવઠું

પોરબંદર- ગુજરાતનું વાતાવરણ બદલાયું છે, ત્યારે રાજ્યમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 03 એપ્રિલ, 2025 સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સહિતના વિસ્તારોમાં મેઘગર્જના સાથે માવઠાની આગાહી કરી છે. તો બીજી તરફ, આવતીકાલે સોમવારે (31 માર્ચ, 2025) રાજ્યના એક જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે 01 એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ભર ઉનાળે માવઠાના આગાહી કરી છે. જ્યારે આવતીકાલે 31 માર્ચે પોરબંદર જિલ્લામાં હીટવેવને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે અને દરિયાકિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે. આ ઉપરાંત, આવતીકાલે સોમવારે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા છે.


હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં આવતીકાલે સોમવારે (31 માર્ચ, 2025) નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં અને 01 એપ્રિલ, 2025ના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદીની આગાહી છે. જ્યારે 02 એપ્રિલ, 2025એ 19 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અને 03 એપ્રિલ, 2025ના રોજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદીની હવામાન વિભાગે આગાહી કરી છે.