દિલ્હીમાં બેઝમેન્ટમાં ચાલતા 13 IAS કોચિંગ ક્લાસ સીલ

July 30, 2024

રવિવારે દિલ્હીનાં રાવ કોચિંગ સેન્ટરનાં બેઝમેન્ટમાં અચાનક પાણી ભરાઈ જવાથી 3 વિદ્યાર્થીઓનાં મોત થયા પછી સરકાર એક્શનમાં આવી છે. ઓલ્ડ રાજિન્દર નગરમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ સામે બુલડોઝર એક્શન લેવામાં આવી રહ્યું છે. સ્થળ પર સ્થાનિક અધિકારીઓ અને પોલીસનો ખડકલો કરાયો છે. જ્યાં જ્યાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાં બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે.

MCDનાં અધિકારીનાં જણાવ્યા મુજબ રેમ્પ અને બિલ્ડિંગમાં વધારાનું બાંધકામ કરીને જ્યાં દબાણ કરાયું છે અને નાળા પૂરી દેવામાં આવ્યા છે ત્યાં ખોદકામ કરવા બે બુલડોઝર કામે લગાડાયા છે. પોલીસ દ્વારા આ કેસમાં અગાઉ પાંચની ધરપકડ કરાઈ હતી. બીજી બે વ્યક્તિને પકડવામાં આવતા કુલ સાતની ધરપકડ કરાઈ છે. જેમાં બેઝમેન્ટનાં માલિક, એક SUV વાહનનાં ડ્રાઈવરનો સમાવેશ થાય છે.