CBI દ્વારા કેજરીવાલ સામે રાઉઝ એવન્યૂ કોર્ટમાં ચાર્જશીટ દાખલ

July 30, 2024

કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ) દ્વારા આબકારી નીતિ કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને અન્યો વિરુદ્ધ દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટમાં આરોપપત્ર દાખલ કર્યું છે. આ કેસમાં કોર્ટે 25 જુલાઈના રોજ મુખ્યપ્રધાન કેજરીવાલની ન્યાયિક કસ્ટડીની મુદતમાં વધારો કર્યો હતો. આ કેસમાં હવે આઠ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

સીબીઆઈએ તિહાડ જેલમાંથી જ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ કેસમાં કેજરીવાલ ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે. કવિતા પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં પેશ થયા હતા. રાઉજ એવન્યૂ કોર્ટે મનીષ સિસોદિયાની તેમ જ કે. કવિતાની ન્યાયિક કસ્ટડીની મુદત 31 જુલાઈ સુધી વધારેલી છે.

તે અરસામાં સીબીઆઈ દ્વારા દાખલ થયેલા આ કેસમાં જામીન મેળવવા અરવિંદ કેજરીવાલે કરેલી અરજી પર દિલ્હી હાઇકોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. હાઇકોર્ટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કરેલી જામીન અરજી પરનો ચુકાદો સોમવારે અનામત રાખ્યો છે.