હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન ઝંડાને ઉતારી લેતાં જૂથ અથડામણ

September 17, 2024

હિંમતનગર - હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન બે જૂથ વચ્ચેના ઘર્ષણની ઘટના સામે આવી છે. હિંમતનગરના-ઈડર સ્ટેટ હાઈવે પર ન્યાય મંદિર વિસ્તારમાં લગાવેલા હોર્ડિંગ પર બે જૂથો વચ્ચે ઝંડાના વિષયને લઈને ઘર્ષણ થયું હતું. 


એક જૂથ દ્વારા લગાવવામાં આવેલા ઝંડાને બીજા જૂથે ઉતારી લેતા અથડામણ થઈ હતી. બે જૂથો વચ્ચેની અથડામણની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ DYSP સહિતના અધિકારીઓ ન્યાયમંદિર વિસ્તારમાં દોડી આવ્યા હતાં. ગણેશ વિસર્જનને લઈને મોટી સંખ્યામાં આ વિસ્તારે લોકોના ટોળા પણ ઉમટ્યાં હતાં. આ પહેલાં સુરત, વડોદરા, ભરૂચ, કચ્છ અને ખેડામાં પણ આ પ્રકારની ઘટના જોવા મળી હતી. જ્યાં અમુક અસામાજિક તત્વો દ્વારા કોમવાદના નામે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.


ગત અઠવાડિયે કઠલાલમાં વાહન ઓવરટેક જેવી નાનકડી વાતે બે કોમના ટોળાઓએ આખું કઠલાલ શહેર માથે લીધું હતું. ત્યારબાદ પોલીસે આખો મામલો થાળે પાડ્યો હતો. જોકે, ગત શનિવારે મહુધા પંથકમાં બે ઈન્સ્ટા આઈડી યુઝર્સે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી. જેને લઈને કઠલાલના યુવકો ફરિયાદ નોંધાવવા મહુધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. મોડી રાત્રે ફરિયાદ નોંધાવી પરત ફરતા પોલીસ સ્ટેશનની બહાર જ ટોળું આવી પહોંચ્યું હતું. પોલીસે ફરિયાદીને પોતાની ગાડીમાં બેસાડવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી પોતે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં. ત્યારબાદ SOG, LCB ની ટીમ બીજા દિવસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.