'વાજપેયી હોત તો એમણે પણ ઈમરજન્સી લાદી હોત, RSSનો ટેકો હતો', દિગ્ગજ નેતાનો ભાજપને જવાબ

July 13, 2024

કેન્દ્ર સરકારે 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. 1975માં કોંગ્રેસ પાર્ટી દ્વારા લાગુ કરાયેલી ઈમરજન્સી (કટોકટી) ના બચાવમાં હવે શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉત ઉતરી આવ્યા હતા. તેમણે ભાજપને વળતો જવાબ આપતા કહ્યું કે જો અટલ બિહારી વાજપેયી જેવા નેતા પણ એવી સ્થિતિમાં હોત તો તેમણે પણ ભારતમાં કટોકટી લાગુ કરી હોત. રાઉતે કહ્યું કે શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ પણ જાહેરમાં ઈમરજન્સીને ટેકો આપ્યો હતો. દેશમાં કટોકટી એટલા માટે લાદવામાં આવી હતી કેમ કે તે રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે 25 જૂન 1975ના રોજ ભૂતપૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા લાગુ કરાયેલી ઈમરજન્સીની યાદમાં દર વર્ષે બંધારણ હત્યા દિવસ મનાવાશે.
સંજય રાઉત અહીં જ ન રોકાયા અને તેમણે કહ્યું કે ભાજપ પાસે હવે કોઈ કામ બાકી રહ્યું નથી. 50 વર્ષ થઈ ગયા છે અને લોકો ઈમરજન્સીને ભૂલી ગયા છે. આ દેશમાં ઈમરજન્સી કેમ લાગુ કરાઈ હતી? તેનો જવાબ એ છે કે અમુક લોકો દેશમાં અરાજકતા ફેલાવવા માગતા હતા. રામલીલા મેદાનથી એલાન કરાયું હતું,   આપણા જવાનો અને સૈન્યને કહેવાયું કે સરકારના આદેશનું પાલન ન કરે. તો આવી સ્થિતિમાં જો અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હોત તો એ પણ ઈમરજન્સી લાગુ કરી દેતા.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતાએ કહ્યું કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો હતો. અમુક લોકો દેશમાં બોમ્બ બનાવી રહ્યા હતા અને ઠેર ઠેર બ્લાસ્ટ કરી રહ્યા હતા. હું તમને જણાવવા માગુ છું કે અમિત શાહને ઈમરજન્સી વિશે કંઇ જ ખબર નથી. નકલી શિવસેના (શિંદે) સાથે બાલા સાહેબ ઠાકરેની પ્રશંસા કરનારાઓએ ઈમરજન્સીને ટેકો આપ્યો હતો. બાલાસાહેબ ઠાકરેએ તે સમયે ઈમરજન્સીને જાહેરમાં ટેકો કર્યો હતો. આરએસએસ પણ તેના સમર્થનમાં હતું.