માત્ર દોઢ વર્ષમાં અઢી લાખ ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા ભણવા પહોંચ્યાં, વિદેશ તરફ ધસારો વધ્યો

July 12, 2024

મુંબઈ ઃ 2020 થી 2022ના કોવિડના બે વર્ષ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ઝીરો માઈગ્રેશન અને ઈમિગ્રેશનની સ્ટ્રીક્ટ પોલીસી બાદ 2023થી દુનિયાના વિઝીટર્સ, ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા ઈચ્છતા હાઈલી સ્કીલ્ડ પ્રોફેશનલ્સની સંખ્યામાં ઘણો વધારો થયો છે. 


માત્ર 2023માં 6 લાખ મુલાકાતીઓ વિવિધ કેટેગરી હેઠળ ઓસ્ટ્રેલિયા આવ્યા છે જેમાં 1,24,829 તે એકલા ભારતીય વિદ્યાર્થીઓ હતા અને આ વર્ષે એપ્રિલ સુધીમાં ભારતના 1,16,610 વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા આવ્યા છે જે પૈકીના 73,489 ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે.  2005થી 2023ના 18 વર્ષોમાં ભારતના અઢી લાખ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા ઉચ્ચ અભ્યાસ માટે આવ્યા હતા. પરંતુ છેલ્લા દોઢ જ વર્ષમાં બીજા અઢી લાખ વિદ્યાર્થીઓ આવતા અત્યાર સુધી 5 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે. તેવું મુંબઈ ખાતેના નવા ઓસ્ટ્રેલીયન કોન્સ્યુલેટ જનરલ પોલ મરફીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું, 'ભારતની પ્રજા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાને બહુ આદર છે કારણ કે, સાંસ્કૃતિક વારસાનું તે સુંદર રીતે જતન કરે છે અને મુખ્ય પ્રવાહમાં ભળી જાય છે. કેનબેરામાં તમને એમ લાગે કે તમે ચેન્નાઈ, મુંબઈ, દિલ્હી કે અમદાવાદમાં ફરી રહ્યા છો એટલા ભારતીય કલ્ચરલ સેન્ટર્સ અને ઈટીંગ આઉટલેટ્સ છે.