સરકારની ટીકા કરવી ગુનો નથી, પત્રકાર સજ્જાદને છોડવા હાઇકોર્ટનો આદેશ

November 20, 2023

શ્રીનગર: સરકારની ટીકા કરવાને લઇને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કાશ્મીર બેસ્ટના પત્રકાર સજ્જાદ અહમદ ડાર (સજ્જાદ ગુલ)ની ધરપકડને લઇને હાઇકોર્ટે કહ્યું છે કે સરકારની ટીકા કરવી તે ગુનો નથી, તેથી જો કોઇ વ્યક્તિ કે પત્રકાર સરકારની ટીકા કરે તો તે એક માત્ર આધાર પર તેની ધરપકડ ના કરી શકાય. આ સાથે જ હાઇકોર્ટે ધરપકડ કરાયેલા પત્રકાર સજ્જાદ ગુલને તાત્કાલીક છોડી મુકવાનો આદેશ પણ આપ્યો હતો. જમ્મુ કાશ્મીરના પત્રકાર સજ્જાદ ગુલ સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરતા આવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી દુશ્મનીને પ્રોત્સાહન આપવાના આરોપો હેઠળ ૧૬ જાન્યુઆરી, ૨૦૨૨ના તેમની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ તેમને છોડવામાં નથી આવ્યા. જે બાદ પત્રકાર સજ્જાદે હાઇકોર્ટમાં પોતાની ધરપકડને પડકારી હતી. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પોલીસ, પ્રશાસન અને જવાબદાર અધિકારીઓની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે અધિકારીઓએ આ મામલામાં અટકાયત કે ધરપકડના કાયદાનો દુરુપયોગ કર્યો છે.  હાઇકોર્ટના ન્યાયાધીશ એન કોટિસ્વરસિંહ અને ન્યાયાધીશ એમએ ચૌધરીની બેંચે કહ્યું હતું કે ફરિયાદ કે તપાસમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે પત્રકાર સજ્જાદે જુઠી સ્ટોરી બનાવી હતી કે તેનું રિપોર્ટિંગ તથ્યોં વગરનું છે. પત્રકારનું કોઇ પણ કામ હાનીકારક હોવાનું પણ સાબીત નથી થતુંં. સરકારની ટીકા કરવી તે કોઇ ગુનો નથી, અને આવી ટીકાને ધરપકડનો આધાર ના બનાવી શકાય. અધિકારીઓએ પત્રકારની ધરપકડ કરીને કાયદાનો દુરુપયોગ કર્યો છે. અગાઉ પણ સજ્જાદે હાઇકોર્ટમાં ધરપકડ સામે અરજી કરી હતી, જેને સિંગલ જજની બેંચે નકારી દીધી હતી.