કેરળ, ઉત્તરાખંડ 'ટકાઉ વિકાસ' મામલે ટોચે, બિહારની હાલત દયનીય, વાંચો નીતિ આયોગનો રિપોર્ટ

July 13, 2024

NITI Aayog Report: સામાજિક-આર્થિક અને પર્યાવરણની સ્થિતિની દ્રષ્ટિએ નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં કેરળ અને ઉત્તરાખંડ ટોચના સ્થાને છે. જ્યારે બિહાર રેન્કિંગમાં નીચલા સ્થાને રહ્યું છે. શુક્રવારે આયોગ તરફથી જારી કરવામાં આવેલા રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી દેશભરમાં મોટી સંખ્યામાં લોકોને ગરીબીથી બહાર કાઢવામાં પણ મદદ મળી છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી બીવીઆર સુબ્રમણ્યમે સતત વિકાસ લક્ષ્ય (ADG) 2023-24 સૂચકાંકનો રિપોર્ટ જારી કરતાં કહ્યું કે છેલ્લા દસ વર્ષોમાં 25 કરોડ લોકો ગરીબીથી બહાર આવ્યા છે. બે રાજ્યોને ગરીબી નાબૂદી પર એસડીજી-1 પ્રાપ્ત કરવા માટે સુધારો કરવાની જરૂર છે. જેમાં બિહાર અને અરુણાચલ પ્રદેશ સામેલ છે. આ રિપોર્ટને તૈયાર કરવાનો હેતુ રાજ્યોની સામાજિક-આર્થિક સ્થિતિની જાણકારી મેળવીને અને તેમાં સુધારો કરવાનો છે. આ સાથે જ રાજ્યોને વિકાસના માર્ગ પર લાવવાનો છે. કેમ કે વિકાસના માર્ગે જ લોકોની સામાજિક-આર્થિક સ્થિતિમાં ઝડપથી પરિવર્તન શક્ય છે.
ઉત્તરાખંડ અને કેરળનું કામ શાનદાર : રિપોર્ટથી જાણ થાય છે કે લોકોના જીવન સ્તરમાં સુધારો લાવવા માટે ઉત્તરાખંડ અને કેરળમાં સારું કામ થયું છે. ઉત્તરાખંડ અને કેરળ 79 નંબર સાથે સંયુક્ત રીતે ઉચ્ચ સ્થાન પર પહોંચ્યા છે. તે બાદ તમિલનાડુનું 78મું અને ગોવાનું 77મું સ્થાન છે. જ્યારે ઉત્તર પ્રદેશને 67 નંબર મળ્યો છે. પછાત રાજ્યોમાં બિહાર 57, ઝારખંડ 62 અને નાગાલેન્ડ 63 નંબર સાથે સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્યોમાં સામેલ છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર, પુડુચેરી, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને દિલ્હી ઉચ્ચ પાંચમાં સામેલ કરવામાં આવ્યા છે.
રિપોર્ટ કેવી રીતે તૈયાર થાય છે : રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સામાજિક, આર્થિક અને પર્યાવરણીય ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રદર્શનનું આકલન કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. નીતિ આયોગે ચોથી વખત આ રિપોર્ટ જારી કર્યો છે. પહેલો રિપોર્ટ વર્ષ 2018માં જારી થયો હતો. ગરીબી નાબૂદી, ગુણવત્તા યુક્ત શિક્ષણ, શ્રેષ્ઠ આરોગ્ય, લૈંગિક સમાનતા, સ્વચ્છ પીવાનું પાણી, સબસિડીવાળા આવાસ અને ઊર્જા, આર્થિક વિકાસ, ઉદ્યોગ-આધારભૂત માળખાનો વિકાસ, શહેરોમાં રહેવાની ટકાઉ વ્યવસ્થા, પર્યાવરણ સહિત 16 પોઈન્ટ્સ પર ચલાવવામાં આવી રહેલી સરકારની યોજનાઓ દ્વારા થયેલા કાર્યો અને પરિવર્તનો સાથે જોડાયેલા અભ્યાસના આધાર પર આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.