મહાભારતનાં ચક્રવ્યૂહની જેમ ભારત કમળનાં ચક્રવ્યૂહમાં ફસાયું છે : રાહુલ

July 30, 2024

સંસદનાં બજેટ સત્રમાં સોમવારે ફરી એકવાર સત્તારૂઢ પાર્ટી અને વિપક્ષ વચ્ચે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો દોર ચાલુ રહ્યો હતો. લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી અને સ્પીકર ઓમ બિરલા વચ્ચે કેટલાક મુદ્દે શાબ્દિક ટપાટપી થઈ હતી. રાહુલ ગાંધીએ અનેક વખત ગૃહનાં નિયમોનું પાલન નહીં કરતા ઓમ બિરલાએ તેમને અનેક વખત ટોકવા પડયા હતા.

એક તબક્કે સ્પીકરે કહ્યું હતું કે આપ મને પ્રશ્ન પૂછી શકો નહીં. રાહુલ ગાંધીએ મહાભારતનાં ચક્ર વ્યૂહને યાદ કરીને કહ્યું હતું કે ભારત પણ આજકાલ કમળનાં ચક્રવ્યૂહમાં ફસાયું છે. રાહુલે ગૃહમાં અદાણી અને અંબાણીના નામનો ઉલ્લેખ કરતા સ્પીકરે તેમને રોકવા પડયા હતા અને ટોકવા પડયા હતા.

કિરણ રિજિજુએ પણ અનેક વખત રાહુલને ટોકવા પડયા હતા અને નિયમોનું પાલન કરવા તાકીદ કરી હતી. રાહુલે આક્ષેપ કર્યો કે દેશમાં આજકાલ ડર અને હિંસાનો માહોલ છે. નફરતની ભાવના ફેલાઈ રહી છે. બજેટ દ્વારા મિડલ ક્લાસની પીઠ પર છરી ભોંકવામાં આવી છે. દેશમાં 73 ટકા પછાતો, દલિતો અને આદિવાસીઓ છે પણ તેમને ક્યાંય સ્થાન આપવામાં આવતું નથી.