હિમાચલમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, 2નાં મોત:ત્રણ જગ્યાએ વાદળ ફાટ્યું, 51 લોકો ગુમ

August 01, 2024

હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ બાદ 3 જગ્યાએ વાદળ ફાટવાના સમાચાર છે. કુલ્લુ, મંડી અને રામપુરમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. રામપુરના સમેજ ખડ્ડમાં વાદળ ફાટતાં સમેજ ગામનાં અનેક ઘરો તણાઈ ગયાં હતાં. જેમાં 2નાં મોત થયાં છે, જ્યારે 51 લોકો ગુમ છે. નદી-નાળાના જળસ્તર વધવાને કારણે મલાણામાં પાવર પ્રોજેક્ટ 1નો ડેમ તૂટ્યો હતો.

બુધવારે ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના ઘનસાલીમાં બુધવારે રાત્રે વાદળ ફાટ્યું હતું. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા. એક વ્યક્તિ ઘાયલ છે. મંડીના ચૌહર ઘાટીમાં પણ મુશળધાર વરસાદ બાદ એક મકાન કાટમાળમાં ધસી ગયું હતું. બે પરિવારના છ સભ્યો ગુમ છે.

હિમાચલ પ્રદેશમાં વરસાદે તારાજી સર્જી છે. અહીં કુલ્લુ જિલ્લાના મણિકર્ણના મલાણા ગામમાં બનેલ પાવર પ્રોજેક્ટનો ડેમ તૂટી ગયો છે. ડેમ તૂટતા અને ખીણમાં પૂર આવતા હાહાકાર મચી ગયો છે. મોડી રાતે પડેલા વરસાદને કારણે બિયાસ નદીમાં પણ પૂર આવ્યું છે. મનાલી શહેરની નજીક બિયાસ નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને હાઈવે પર વહેવા લાગી છે. ભૂસ્ખલનને કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ બંધ છે. હાલમાં પાર્વતી નદીમાં ભારે પૂરના કારણે આસપાસના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મંડી બેઠકથી કંગના રનૌત ભાજપના સાંસદ છે.