હલદ્વાની હિંસાના આરોપીનું રટણ, હું હિંસાનો માસ્ટરમાઈન્ડ નથી, વિવાદ કરનારો છે ગુનેગાર

February 11, 2024

દબાણ હટાવવા સમયે અબ્દુલ મલિકે બબાલની શરૂ કરી હતી : આજથી ફરી ઈન્ટરનેટ સેવા શરૂ

હલદ્વાનીમાં ગેરકાયદે દબાણ તોડ્યા બાદ થયેલી હિંસામાં 6ના મોત, 250થી વધુ લોકો ઈજાગ્રસ્ત

હલદ્વાની- ઉત્તરાખંડનાં હલદ્વાનીમાં દબાણ હટાવવા સમયે બબાલના માસ્ટરમાઈન્ડ કહેવાતો અબ્દુલ મલિકની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી અને ઉત્તરાખંડ પોલીસની સંયુક્ત ટીમે મલિકની દિલ્હીમાંથી ધરપકડ કરી છે. જોકે આ મામલે પોલીસે કોઈ સત્તાવાર નિવેદન આપી રહી નથી. પોલીસે હિંસામાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસે સર્ચ ઓપરેશન કરી બે વર્તમાન કાઉન્સિલરો સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, દિલ્હી પોલીસે અબ્દુલ મલિકની પણ આજે ધરપકડ કરી લીધી છે.


હલદ્વાનીમાં હિંસા બાદ બંધ કરાયેલી ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ પોલીસે ચેતવણી આપી છે કે, જો કોઈ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો પ્રયાસ કરશે અને કાયદો વ્યવસ્થાનું ઉલ્લંઘન કરશે તેમજ ભડકાઉ પોસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરાખંડમાં હલ્દવાનીના બનભુલપુરા વિસ્તારમાં સરકારી જમીનમાં બનેલા એક મદરેસા પર બૂલડોઝર ફરતાં સ્થાનિક લોકોએ ગુરુવારે સાંજે નગર પાલિકા તેમજ પોલીસના વાહનોમાં આગ લગાવી દીધી હતી. સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાના પગલે આખાય વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. બબાલમાં 6 લોકોના મોત થઇ ચૂક્યા હતા. મહિલા એસડીએમ અને એસપી સહિત અંદાજિત 250થી વધુ લોકો પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયા હતા. સરકારે ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી હતી. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઈમરજન્સી સમીક્ષા બેઠક બોલાવી હતી અને તોફાની તત્વોને દેખો ત્યાં ઠારનો આદેશ આપતા મામલો વધારે ગંભીર બન્યો હતો.