શિમલા, કુલ્લુ, મંડી... ઉત્તર ભારતમાં કુદરતનો કહેર, આભ ફાટતાં 11 મોત, 44થી વધુ લોકો ગુમ

August 01, 2024

દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા શહેરોમાંથી વરસાદના કારણે વિનાશના સમાચારો મળી રહ્યા છે. ત્યારે ગઈકાલે દિલ્લીમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો, તો હિમાચલમાં કુલ્લુ અને શિમલામાં પણ આભ ફાટ્યું છે. જેમાં લગભગ 44 લોકો ગુમ છે તો 11 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. 

કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બાદ હવે કુલ્લુમાં પણ આભ ફાટવાં અને ભયાનક ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે. જેના લીધે વિનાશના દૃશ્યો સર્જાયા છે. સૌથી વધુ નુકસાન અહીં નિરમંડ ઉપમંડલના બાગીપુલ વિસ્તાર થયું હતું. અહીં લગભગ 9 જેટલાં મકાન ભૂસ્ખલનની લપેટમાં આવી ગયા હતા. જેના લીધે એક આખો પરિવાર એટલે કે ચાર લોકો મકાન સહિત ભૂસ્ખલનમાં વહી ગયા હતા. 

થલતુખોડમાં ફસાયેલા લોકો સુધી પહોંચવું મુશ્કેલ હોવાથી એરફોર્સની સાથે NDRF પાસેથી પણ મદદ લેવામાં આવી છે. હિમાચલ પ્રદેશના શિમલા અને કુલ્લુ જિલ્લાના રામપુરને અડીને આવેલા 15-20 વિસ્તારોમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. મળતી માહિતી મુજબ શ્રીખંડની પહાડીઓ પર આવેલા નૈન સરોવરની આસપાસ વાદળ ફાટવાના કારણે કુર્પણ, સમેજ અને ગણવી કોતરોમાં ભારે પૂર આવ્યું છે.